સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી
બેઠક નવી ફરિયાદો જુની
ધારાસભ્યો દ્વારા રોડ, પાણી, ગટરના, સિંચાઇ સહિતના વિવિધ મુદ્દાને લઇ રજૂઆત
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ધારાસભ્યો દ્વારા રોડ, પાણી, ગટરના, સિંચાઇ સહિતના વિવિધ મુદ્દાને લઇ રજૂઆત કરવામાં આવી હતી.
વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામો ઝડપથી પુરા કરવા માટે અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના તમામ સરકારી માળખાઓની સમયાંતરે સફાઈ કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જ્યારે પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા પાણી પુરવઠા, નર્મદા વિભાગ, કેનાલોના કામ સહિતના કામો અંગે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી બાકીના કામો પુરા કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ યોગને ઈવેન્ટ નહીં પરંતુ મુવમેન્ટ બનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સંકલન અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી માળખાઓની ચકાસણી, સરકારી જાહેરાતના ચુકવણા સહિતના મુદ્દે ચર્ચાઓ કરી સુચનો પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યો સહિત જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર, સહિત જિલ્લાના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.