બળવાના ડરથી વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ અટવાઇઃ ડેરીના પ્રમુખની ચૂંટણી અંગે પણ સસ્પેન્સ

વડોદરાઃ વડોદરાની સહકારી સંસ્થાઓમાં ભાજપને બળવાનો ડર સતાવી રહ્યો હોય તેમ સ્પષ્ટ થઇ રહ્યંુ છે.જેને કારણે જિલ્લાની અનેક સહકારી સંસ્થાઓના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની મુદત પુરી થઇ ગઇ હોવા છતાં હજી ચૂંટણીઓ જાહેર કરવામાં આવતી નથી.
વડોદરા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી સંગઠનના માળખાની રચનાનું કામ પણ ઘોંચમાં પડયું છે.તો બીજીતરફ સહકારી ક્ષેત્રે પ્રભુત્વ જમાવવા માટે મેન્ડેટ પ્રથાનો અમલ કરવામાં આવ્યો છે.પરંતુ તેમ કરવા જતાં બળવો થવાનો ડર સેવાઇ રહ્યો છે.જેને કારણે વડોદરા જિલ્લાની જુદીજુદી સંસ્થાઓના પ્રમુખ-ઉપપ્રમુખની મુદત પુરી થઇ ગઇ હોવા છતાં ચૂંટણીઓ કરવામાં આવતી નથી.
આવી સંસ્થાઓમાં બરોડા સેેન્ટ્રલ બેન્ક, જિલ્લા ખરીદવેચાણ સંઘ,પાદરા,ડભોઇ, સાવલી,કરજણ અને શિનોર એપીએમસીના પ્રમુખ-ઉપપ્રમુખ અને હવે બરોડા ડેરીનો સમાવેશ થાય છે.બરોડા ડેરીની ચૂંટણીમાં હાઇકોર્ટની દરમિયાનગિરી હતી.ડિરેક્ટરો ચૂંટાઇ ગયા બાદ હવે પ્રમુખની ચૂંટણી એક મહિનામાં કરવાની હોય છે.જેથી તેની જાહેરાતની રાહ જોવાઇ રહી છે.
તો બીજીતરફ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હજી જાહેર થઇ નથી અને તેમ છતાં પંચાયતોમાં સત્તા મેળવવા ભાજપ દ્વારા મીટિંગનો દોર કરવામાં આવી રહ્યો છે.ગઇકાલે નવા જિલ્લા પ્રભારીએ પણ ભાજપ કાર્યાલય ખાતે સાંસદ,ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો સહિતના આગેવાનો સાથે પંચાયતોની ચૂંટણીના મુદ્દે મેરેથોન મીટિંગ કરી હતી.
પાદરા નાગરિક બેન્કની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ નહિ આપે
વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલી પાદરા નાગરિક સહકારી બેન્કની ૧૫ બેઠકો માટે આગામી તા.૧૨મી એપ્રિલે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે.અગાઉ પાદરા એપીએમસીમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેની જૂથબંધીને કારણે બળવા ખોર જૂથે સત્તા મેળવી હોવાથી નાગરિક બેન્કની આવી રહેલી ચૂંટણી પણ રાજકિય મોરચે ચર્ચાના કેન્દ્રમાં છે.જો કે,ભાજપે આ ચૂંટણીમાં મેન્ડેટ નહિ આપવાનું અને ધારાસભ્યને સંકલનની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.








