ખેડામાં 143 પોલીસ કર્મચારીઓની બદલીઓના જિલ્લા વડાના આદેશ
- 'વહીવટદારો'ને મનપસંદ સ્થાને મૂકાતા સવાલો
- લાંબો સમય ટ્રાફિકમાં જ ચિટકી રહેલા શૈલેન્દ્રસિંહને પુનઃ ટ્રાફિકમાં મૂકી દેવાયા
ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૪૩ પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે. જેમાં આસિસ્ટન્ટ આર્મર્ડ સબ-ઇન્સ્પેક્ટર, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, વુમન હેડ કોન્સ્ટેબલ, આર્મર્ડ હેડ કોન્સ્ટેબલ સહિતના હોદ્દા ધરાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જો કે, આ બદલીની યાદીમાં નડિયાદ રૂરલ, જિલ્લા ટ્રાફિક સહિતના મુખ્ય પોલીસ મથકો પર લાંબા સમયથી કાર્યરત એવા વહીવટદારોને કાગળ પર ફરીથી તેમના જૂના અને માનીતા સ્થાનો પર જ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કર્મચારીઓની બદલીના આદેશો થયા હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી તેઓ પોતાની મનપસંદ જગ્યાઓ પર જ કાર્યરત રહ્યા હતા.
નવી યાદીમાં પણ તેમને પુનઃ તેમના મુખ્ય સ્થાને જ મૂકવામાં આવ્યા હોવાથી પોલીસ બેડામાં અને સામાન્ય પ્રજામાં અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ લાંબો સમય નડિયાદ ગ્રામ્યમાં ફરજ બજાવી ચૂકેલા શ્રવણકુમાર સીયારામને નડિયાદ ટાઉનમાંથી પુનઃ નડિયાદ ગ્રામ્યમાં મુકાયા છે. ખેડા જિલ્લા ટ્રાફિક વિભાગમાં વર્ષોથી ચિટકી રહેલા શૈલેન્દ્રસિંહ કશળસંગને ફરીથી ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. દોઢ વર્ષ પૂર્વે તેમની જિલ્લા ટ્રાફિકમાંથી નડિયાદ ટાઉનમાં બદલી કરાઈ હતી, પરંતુ ચાર મહિના સુધી તેઓ કાગળ પર જ ટાઉનમાં રહ્યા અને ફરજ ટ્રાફિકમાં બજાવી હોવાનું પોલીસ કર્મીઓ કહી રહ્યા છે. લોકસભા-૨૦૨૪ની ચૂંટણીમાં આચારસંહિતા દરમિયાન રજૂઆતો થતાં તેમને ટાઉન મથકે હાજર થવું પડયું હતું. જોકે, ટ્રાફિક વિભાગનો મોહ ન છૂટતા, ઉચ્ચ અધિકારીઓએ તેમની મરજી મુજબ ટ્રાફિકમાં ફરજ બજાવવા માટે 'એટેચ ઓર્ડર' આપી દીધો હતો. આથી, તેઓ આજદિન સુધી ટ્રાફિક વિભાગની જ કામગીરી કરતા હતા. હવે, શૈલેન્દ્રસિંહની પુનઃ કાયદેસર રીતે નડિયાદ ટાઉનથી ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી છે.