જિલ્લા ભાજપ પ્રમુખે સભ્યો સાથે બેઠક કરી થોભો અને રાહ જૂઓના આદેશ આપ્યા
ન.પા.ના પ્રમુખ સામે ભાજપના જ સભ્યોની નારાજગીનો મામલો જો હાલમાં પ્રમુખને બદલાવવામાં આવે તો વિપક્ષ 'આપ' જશ લઈ જાય તેવી સ્થિતિ હોવાથી ભાજપના સભ્યો નારાજગી છતાં ચૂપચાપ રહેવા મજબૂર
જૂનાગઢ, : વિસાવદર ભાજપ શાસીત નગરપાલિકાના પ્રમુખને બદલાવવા માટેનો ભાજપમાં જ શરૂ થયેલો કચવાટે ભાજપના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. જિલ્લા ભાજપના પ્રમુખે નગરપાલિકાના સભ્યો સહિતનાઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા ભાજપના પ્રમુખે સભ્યોને થોભો અને રાહ જુવોનો આદેશ આપ્યો છે પરંતુ હજુ પણ અંદરખાને પ્રમુખ સામેનો સભ્યોનો અસંતોષ બંધ થવાનું નામ લેતો નથી.
ત્રણ-ચાર મહિના પહેલા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 24 બેઠકમાંથી 21 બેઠક ભાજપને મળી હતી. પ્રમુખ તરીકે ઓબીસી મહિલા અનામત હતું. ત્રણ-ચાર માસ પહેલા જ બનાવેલા પ્રમુખ સામે ભાજપના જ સભ્યો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના સભ્યોનું કહેવું છે કે, પ્રમુખ વિસાવદર નગરપાલિકાનો વહિવટ કરવામાં કાચા પડી રહ્યા છે જેના કારણે વિપક્ષ આપના ધારાસભ્યએ ખાડા અને રસ્તાઓ મુદ્દે ઉધડો લીધો હતો. આવી હાલતના લીધે ભાજપ પાર્ટી બદનામ થઈ રહી છે. આ અંગે ખુદ ભાજપના જ સભ્યોએ તેમના મોવડી મંડળને જાણ કરી હતી. ભાજપનો અંદરોઅંદરનો વિખવાદ શાંત પાડવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ખુદ વિસાવદર દોડી ગયા હતા અને જ્યાં સભ્યો સાથે બેઠક યોજી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રમુખે સભ્યોને કહ્યું હતું કે, જો હાલ ન.પા.ના પ્રમુખને બદલાવ્યે તો વિપક્ષ આપના ધારાસભ્ય જશ લઈ જાય તેમ છે. કેમ કે, તેણે થોડા દિવસ પહેલા જે વિરોધ કર્યો હતો તેના કારણે ભાજપે પ્રમુખ બદલાવવા પડયા તેવું ન થાય તે માટે થોડા દિવસ શાંતિ રાખો સૌ સારાવાના થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. નગરપાલિકાના સભ્યોમાં કચવાટ છે કે, વિપક્ષને જશ ન મળે તે માટે ભાજપના જ આગેવાનો ભાજપના જ સભ્યોને નારાજગી અંગે ચુપચાપ રહેવા મજબુર બનાવી રહ્યા છે. બીજી તરફ પ્રમુખ પણ રાજીનામું આપવાના મુડમાં નથી. ઓબીસી મહિલામાં આવતા અન્ય સભ્યો પ્રમુખ બનવાની તૈયારીઓ કરવા લાગી ગયા છે. હવે આ ડખ્ખો કેવી રીતે શાંત થાય તે ખુબ મહત્વનું બની રહેશે.