સિહોરમાં વોર્ડ નં. 5 થી 9 ના રહિશોને ડહોળા-દુર્ગંધયુક્ત પાણીનું થતું વિતરણ

- પાણી આપવામાં વ્હાલા-દવલાની નીતિ સામે લોકોમાં રોષ
- ફિલ્ટર કર્યા વિના જ પાણીનું વિતરણ કરાતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત
સિહોરમાં ૮-૧૦ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. તેમાં પણ સત્તાધીશો અને વોટર વર્કસ વિભાગની મીલીભગતથી 'એકને ગોળ બીજાને ખોળ' જેવી નીતિ અખત્યાર કરી વોર્ડ નં.૧થી ૪ના વિસ્તારોમાં મહી પરીએજ લાઈનનું શુદ્ધ પાણી અપાઈ છે. તો વોર્ડ નં.૫થી ૯ના લોકો જાણે 'સાવકા સંતાન' ન હોય તેમ તેમની સાથે ભેદભાવ કરી તળાવનું એકદમ ડહોળું અને નાકે ડુંચા દેવા પડે તેવું દુર્ગંઘયુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે. ચોમાસાના આરંભે શ્રીકાર વર્ષાના કારણે તળાવામાં નવા નીર આવ્યા છે. તેને ફિલ્ટર કર્યા વિના જ વિતરણ કરવામાં આવતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અર્ધા શહેરને શુદ્ધ અને ક્લોરીનેશન કર્યા વિના જ પાણી સપ્લાય થઈ રહ્યું હોય, લોકો રોગનો ભોગ બનશે તો જવાબદાર કોણ ? તેવો સવાલ ઉઠયો છે. આ બાબતે ચીફ ઓફિસરને અવાર-નવાર ફરિયાદ કરવા છતાં શુદ્ધ પાણી આપવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.નગરપાલિકા તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવાનું બંધ કરી શુદ્ધ પાણી વિતરણ કરાઈ તેવી માંગ ઉઠી છે.ઉલ્લેખનિય છે કે, હાલ જે પાણી આપવામાં આવે છે, તે પાણી પીવા લાયક તો નથી જ. પરંતુ નહાવા-ધોવામાં પણ ઉપયોગ કરી શકાય તેમ ન હોય, લોકોને ચોમાસામાં શુદ્ધ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.









