Gujarat

પાલિતાણાની જનતાને દૂષિત ગટરના પાણીનું થતું વિતરણ

By GS TEAM
15 Nov 20251 min read
પાલિતાણાની જનતાને દૂષિત ગટરના પાણીનું થતું વિતરણ

- અનેક વખત રજૂઆત કરવા છતાં ન.પા. તંત્રના પેટનું પાણી હલતું નથી

- 17 મીએ વિપક્ષના નેતા સહિતનાઓ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠશે

પાલિતાણા : પાલિતાણામાં નગરપાલિકા તંત્રના પાપે જનતાને દૂષિત અને ગટરનું પાણી પીવાની નોબત આવી રહી છે. આ પ્રશ્ન ઘણાં લાંબા સમયથી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોય, વિપક્ષના નેતાએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી પડી છે.

પાલિતાણા શહેરના વોર્ડ નં.૧થી ૯ના વિસ્તારોમાં પીવાના પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતાં અત્યંત દૂષિત અને ગટરનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. શહેરના ઘણાં વિસ્તારોમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન પણ ગંભીર બન્યો હોવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભું થયું છે. સાથે પાણીજન્ય રોગચાળો ફેલાવાની પણ દહેશત ઉભી થઈ છે. આ પરિસ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરાતા નથી. તળાવ વિસ્તારના મહિલાઓ અને કોર્પોરેટરો નગરપાલિકા કચેરીએ ફરિયાદ કરવા ગયા તો તેમને સાંભળવા માટે કોઈ અધિકારી-કર્મચારી કે પદાધિકારી હાજર ન હતા. આ બાબતે ન.પા.ના વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી દૂષિત-ગટરના પાણીનું વિતરણ બંધ કરવા, ગટર ઉભરાવવાનો પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી છે. તેમણે આગામી તા.૧૭-૧૧ને સોમવારે ભૈરવનાથ ચોક ખાતે સવારે ૯થી ૫ સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.