Gujarat

અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી

By GS TEAM
13 Apr 20262 mins read
અજાબ SBIમાં ખાતામાંથી વીમા પેટે રકમ કપાત થતા નારાજગી

એક વાર પ્રિમીયમ ભર્યા બાદ થઈ જતું ઓટો ડેબિટ  : ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઇ બેંકકર્મીઓ પોતાના ટાર્ગેટ પૂરા કરતા હોવાનો આક્ષેપ, નિરાકરણ ન થાય તો તાળાબંધીની ચીમકી

જૂનાગઢ, : કેશોદ તાલુકાના અજાબમાં આવેલી એસબીઆઈ દ્વારા ખેડૂતોના ખાતામાંથી વિમા પ્રિમીયમ પેટેની રકમ ઓટો ડેબીટ થઈ ગયા મામલે નારાજગી વ્યાપી છે. એકવાર પ્રિમીયમ ભર્યા બાદ દર વર્ષે રકમ કપાત થઈ જતા ખેડૂતોએ આજે બેંકમાં જઈ ઉગ્ર રજુઆત કરી હતી અને ખેડૂતોની અજ્ઞાાનતાનો લાભ લઈ બેંકકર્મીઓ પોતાના ટાર્ગેટ પુરા કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે નિરાકરણ ન આવે તો તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે. ખેડૂતોની ફરિયાદ છે કે અજાબની એસબીઆઈમાં તેમની મરજી વિરૂધ્ધ વિમા પોલીસી લઈ લેવામાં આવી છે. બેંકકર્મીઓ ખેડૂતો પાસેથી એકવાર વિમા પ્રિમીયમ લીધા પછી ઓટો ડેબીટ કરી નાખે છે આથી દર વખતે ખેડૂતની જાણ બહાર તેના ખાતામાંથી પ્રિમીયમની રકમ કપાત થઈ જાય છે. ખેડૂતો રજુઆત કરવા જાય તો તેઓને જવાબો આપી રવાના કરી દેવામાં આવે છે. આ અંગે અજાબના આગેવાને જણાવ્યું હતું કે, ગામના મોટી સંખ્યામાં ખેડૂતો સાથે આવું થયું છે. બેંક મેનેજરને રજુઆત કરી તો કોઈ સાચી વાત સ્વીકારવા તૈયાર થતા નથી. આજે આ મુદ્દે ખેડૂતોએ બેંક ખાતે જઈ મેનેજરને ઉગ્ર રજુઆત કરી હતી. આ ઉપરાંત બેંકમાં નાણાં ઉપાડવા માટે પણ ખેડૂતોએ કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે.