કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ

- સ્માર્ટ મીટરથી બમણા બિલ આવતા હોવાની બૂમ
- મીટરનું સીલ ગ્રાહક ખોલી ન શકે તો મંજૂરી વગર સ્માર્ટ મીટર કેમ તે અંગે વીજ કંપની ખૂલાસો કરે તેવી માંગ
કપડવંજમાં અનેક ઠેકાણે એમજીવીસીએલ દ્વારા મોટા ભાગના વિજ ગ્રાહકોની સંમતિ વગર જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બેથી ત્રણ ઘણા મોટી રકમના ખોટા બિલ આવતા આર્થિક ફટકો પડી રહ્યો હોવાનું ગ્રાહકો કહી રહ્યા છે.
બિલ અને મીટર સંદર્ભે અધિકારીઓ સંતોષકારક જવાબો નહીં આપતા ગ્રાહકો આર્થિક, માનસિક અને શારીરિક ત્રાસ વેઠવા મજબૂર બન્યા છે. ત્યારે મરજી વિરૂદ્ધ કયા કાયદા હેઠળ અને કયા કારણોથી બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાનો આગ્રહ રખાતા એમજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટર લગાવતી એજન્સી સાથે મિલીભગત, મોટી રકમની લેતી-દેતીના કારણે સ્માર્ટ મીટરનું નાટક ચાલી રહ્યું હોય તેવા આક્ષેપ ગ્રાહકો કરી રહ્યા છે.
ગ્રાહક મીટરનું સીલ ખોલે તો નિયમ વિરૂદ્ધ છે, ત્યારે ગ્રાહકોની સંમતિ વગર વીજ કચેરી સ્માર્ટ મીટર કેવી રીતે લગાવી શકે તેનો વીજ કંપની ખૂલાસો કરે તેવી માંગ ઉઠી છે.









