સલ્ફ્યુરિક એસિડ અને કોસ્ટિક સોડાના કારણે કામગીરીમાં વિઘ્ન
ખાબકેલી અન્ય ટ્રકમાં કોસ્ટિક સોડા હતો : પાણીમાં સોડા ભળતા બળતરા
વડોદરા,પાદરા,પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનામાં સલ્ફ્યુરિક એસિડ ભરેલી ટેન્કર અને કોસ્ટિક સોડાની બોરીઓ ભરેલી ટ્રક પાણીમાં ખાબકી હતી. તેના કારણે બચાવ કામગીરી કરતી ટીમને સખત બળતરાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પૂનમના કારણે આવતી ભરતીને લીધે પાણીનો પ્રવાહ પણ વધારે હોઇ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવારે થયેલી બ્રિજ દુર્ઘટનામાં આજે ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા ગૂમ મૃતદેહની શોધખોળ જારી રાખવામાં આવી હતી. આ દુર્ઘટનામાં પાણીમાં પડેલી એસિડ ભરેલી ટેન્કર અને કોસ્ટિક સોડા ભરેલી ટ્રકના કારણે બળતરા અને ખંજવાળનો સામનો કરી રહેલી બચાવ કામગીરીની ટીમની સામે ઘુંટણ સમા કાદવ તેમજ પાણીનો ધસમસતો પ્રવાહ પણ મુશ્કેલી સર્જી રહ્યો છે.એસિડ ભરેલી ટેન્કને સુરક્ષિત બહાર કાઢવાનું પણ આયોજન થઇ રહ્યું છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, સલ્ફ્યુરિક એસિડનું ૯૮ ટકા સાંદ્રતા ધરાવતું એક ટેન્કર પણ હજી અંદરના ભાગમાં છે, જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. બીજા કોઈ વાહનો પાણીમાં નથી. બાઈકના સવારોનું મોટાભાગે ટ્રેસિંગ થઈ ગયું છે, એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે.તેમજ પુલર મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.