બોરસદના નિસરાયા ગામના દેવીપૂજક સમાજના 13 પરિવારોના આવાસને લઈને હદનો વિવાદ

- પાલિકાની હદમાં મંજૂરી વગર કામચલાઉ આવાસો ઉભા કરાતા તાલુકા સ્વાગતમાં પ્રશ્ન પેન્ડિંગ
- જમીન પંચાયત હસ્તકની હોવાનું ગ્રામ પંચાયતનું રટણ : બોરસદ પાલિકાએ સ્થળ તપાસ કરી પંચાયત પાસે બાંધકામના પૂરાવા માંગતા મામલો ગૂંચવાયો
બોરસદ તાલુકાના નિસરાયા ગામે સરકારી આવાસોમાં બાકી રહી ગયેલા ૧૩ જેટલા દેવીપુજક સમાજના પરિવારો માટે નિસરાયા ગ્રામ પંચાયત દ્વારા બોરસદ નગરપાલિકા હદમાં બાંધકામ કરી રહેવા લાયક કામ ચલાઉ આવાસો બનાવવામાં આવી રહ્યા હોવા અંગે નિસરાયાના ગ્રામજને બોરસદ નગરપાલિકાને લેખિત રજૂઆત કરી હતી. સાથે સાથે બોરસદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજદાર દ્વારા આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઇ બોરસદ નગરપાલિકા દ્વારા સૂચિત જમીનની પ્રાથમિક સ્થળ તપાસ કરતા સ્થળ ઉપર રહેણાંકના મકાનો બાંધકામ થઈ રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. સૂચિત જમીન માટે નગરપાલિકા તથા અન્ય કચેરીમાંથી મેળવેલી પરવાનગી તથા અન્ય સાધનિક પુરાવા સાત દિવસમાં રજૂ કરવા પાલિકા દ્વારા નિસરાયા ગ્રામ પંચાયતને જણાવવામાં આવ્યું હતું. આ બાબતે પૂર્તતા ન થાય ત્યાં સુધી બાંધકામ બંધ કરવા પણ જણાવાયું હતું. જેની સામે નિસરાયા ગામમાં હાલ ગરીબોને મકાન બનાવી આપવામાં આવે છે જે જમીન ગ્રામ પંચાયત હસ્તકની હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ લેખિતમાં જણાવતા પંચાયત અને નગરપાલિકાની હદનો વિવાદ વકર્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરી પંચાયતને નોટિસ પાઠવવામાં આવી છે. તો બીજી તરફ પંચાયતના શાસકો દ્વારા જે તે જમીન પંચાયત હસ્તકની હોવાનો દાવો કરાયો છે.
જોકે હાલ મકાનો બનાવવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે ખરેખર પંચાયત હસ્તકની જમીન હોય તો રહેણાંક મકાનો બનાવવાની કામગીરી કયા કારણોસર સ્થગિત કરવામાં આવી તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ પંચાયતના કેટલાક ભ્રષ્ટ શાસકો દ્વારા સરકારી જમીન ગેરકાયદે રીતે હડપ કરવાનો કારસો રચાયો હોવાની ગામમાં ચર્ચાઓ ઉઠી છે.
જગ્યા પંચાયતની છે, પ્રશ્નના નિરાકરણ બાદ કામ ચાલુ કરાશે : તલાટી
નિસરાયા ગામના તલાટી પૂર્વીશભાઈએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ ગરીબો માટે રહેવાના કામચલાઉ મકાનો બનાવવામાં આવી રહ્યા છે, તે જગ્યા પંચાયતની છે. જો પંચાયતની જગ્યા હોય તો મકાનો બનાવવાની કામગીરી કયા કારણોસર બંધ રાખવામાં આવી તે પ્રશ્નના જવાબમાં તલાટીએ જણાવ્યું હતું કે, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ થયો હોવાથી નિરાકરણ આવ્યા બાદ કામગીરી ચાલુ કરાશે.
પ્રશ્ન પેન્ડિંગ રાખી તાલુકા પંચાયતને તપાસ કરવા કહ્યું છે : પ્રાંત અધિકારી
આ અંગે બોરસદના પ્રાંત અધિકારી અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન પેન્ડિંગ છે. તાલુકા પંચાયતને આ પ્રશ્ન અંગે તપાસ કરવા જણાવ્યું છે. યોગ્ય તપાસ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બીયુ સહિતના ડોક્યુમેન્ટ મંગાયા છે, સિટી સર્વેની પણ મદદ લેવાશે : ચીફ ઓફિસર
બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, રજૂઆત મળતા ગત મહિને નિસરાયા ગ્રામ પંચાયતને નોટિસ આપી પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. તાજેતરમાં બીજી નોટિસ ઈસ્યુ કરી ડોક્યુમેન્ટસ રજૂ કરવા જણાવ્યું છે. જો પંચાયત હસ્તકની જમીન હશે તો તેઓ ડોક્યુમેન્ટ રજૂ કરશે. આ બાબતે માપણી સીટ, બીયુ પરમિશન સહિતના ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે અને જરૂર પડશે તો સીટી સર્વેની પણ મદદ લેવામાં આવશે.








