Gujarat

માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર

By GS TEAM
15 Jun 20261 min read
માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર

વડોદરા,માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે દેવભૂમિ  રેસિડેન્સીમાં કાર પાર્કિંગ બાબતે તકરાર થતા બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે દેવભૂમિ રેસિડેન્સીમાં રહેતા અંજલીબેન જયસ્વાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે હું પાર્કિંગમાં કાર મૂકવા ગઇ હતી. ત્યાં અમારા  ફ્લેટના પ્રમુખ પ્રતિક પ્રફુલ્લભાઇ પંડયાની કાર અગાઉથી જ પાર્ક થયેલી હોઇ અમે તેઓને કાર થોડી સાઇડ પર લેવા  વિનંતી કરતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે, હું ફ્લેટનો પ્રમુખ છું. તમારાથી થાય તે કરી લો.હું કાર અહીંયાથી  હટાવું નહીં.ત્યારબાદ સાંજે પ્રતિક તથા તેમની પત્નીએ પાર્કિંગ બાબતે ફરીથી ઝઘડો કર્યો હતો.જ્યારે સામા પક્ષે પ્રતિક પંડયાના  પત્ની જલ્પાબેન  પંડયાએ અંજલીબેન સામે  ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પાર્કિંગ બાબતે તકરાર કરીને કારને નુકસાન કરવાની ધમકી આપી ઝપાઝપી કરી હતી. માંજલપુર પોલીસે બંને પક્ષની સામસામે  ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.