વડોદરામાં પ્રતાપ નગર રોડ પરની સ્કૂલ ખાલી કરાવવાના મુદ્દે માલિક અને ભાડુઆત વચ્ચે તકરાર
Vadodara : વડોદરાના આરવી દેસાઈ રોડની જય નગર સોસાયટીમાં રહેતા રાજનભાઈ નરેન્દ્રભાઈ પરીખ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં સુપર પાવર બેટરી નામથી દુકાન ચલાવે છે અને તેમના પત્ની યુરો કિડ્સ નામથી સ્કૂલ ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પ્રતાપ નગર ONGC ની સામે અમારી એક જગ્યા બીપીનભાઈને વર્ષ 2018 માં સ્કૂલ ચલાવવા માટે આપી હતી જ્યાં તેઓ ફોટોન સ્કૂલ ચલાવે છે. વર્ષ 2023 માં અમારે જગ્યા ખાલી કરાવવાની હોય અમારે બીપીનભાઈ સાથે માથાકૂટ ચાલે છે. 18મી તારીખે બપોરે 12:00 વાગે હું તથા મારા પિતા નરેન્દ્રભાઈ અમારી જગ્યા પર ગયા હતા અને ફોટોન સ્કૂલના એસીના વાયર કાઢવાનું ચાલુ કર્યું હતું. એટલામાં સ્કૂલના સંચાલક બીપીનભાઈ આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે તમે મને બહુ હેરાન કરી નાખ્યો એમ કહી ઝઘડો કરી મારા પર લાકડાથી હુમલો કર્યો હતો. મારા પિતા છોડાવા પડતા તેઓને પણ ડાબા હાથે ઈજા પહોંચી હતી.
જ્યારે સામા પક્ષે બીપીનભાઈએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે રાજન પરીખ સાથે સપના હોલ કોમ્પલેક્ષમાં આવેલી ફોટોન સ્કુલવાળી જગ્યાનો 10 વર્ષ માટે કરાર કર્યો હતો જેની મુદત વર્ષ 2028 માં પૂરી થાય છે તેમ છતાં રાજનભાઈ તથા તેમના પિતા તમને મકાન ખાલી કરવા દબાણ કરે છે અને ગઈકાલે તેઓએ આવીને મારા પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હું બેભાન થઈ ગયો હતો. અમારા સ્કૂલના સ્ટાફને બનાવની જાણ તેઓ મને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.