Gujarat

જામનગરમાં એડવોકેટ અને પાડોશી વેપારી વચ્ચેનો ગજગ્રાહ આગળ વધ્યો : પોલીસ ફરિયાદનું મન દુઃખ વકીલને પુન: ધમકી

By GS TEAM
8 Oct 20251 min read
TukuTouch Logo
વેપારી સામે કરેલી પોલીસ ફરિયાદનું મન દુઃખ રાખીને વેપારીએ ફરિયાદ પરત ખેંચવા વકીલને પુન: ધમકી આપી માર માર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં એડવોકેટ અને પાડોશી વેપારી વચ્ચેનો ગજગ્રાહ આગળ વધ્યો   : પોલીસ ફરિયાદનું મન દુઃખ વકીલને પુન: ધમકી

Jamnagar Crime : જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ અને તેજ બિલ્ડીંગમાં રહેતા એક વેપારી વચ્ચેનો ગજગ્રાહ આગળ વધ્યો છે, અને ગઈકાલે નોંધાવેલી પોલીસ ફરિયાદ પરત ખેંચવા વકીલને વેપારી દ્વારા પુન: ધમકી અપાઇ હોવાથી મામલો ફરી પોલીસ મથકમાં લઈ જવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચવટી સોસાયટીમાં ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને વકીલાત તરીકેનો વ્યવસાય કરતા કમલેશભાઈ પંડ્યાએ પરમદીને જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને જાહેરમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ એપાર્ટમેન્ટમા રહેતા જીતુભાઈ મનસુખલાલ વિઠલાણી નામના વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદથી નારાજ થઈને વેપારી જીતુભાઈ મનસુખભાઈ વિઠલાણી કે જે એડવોકેટના ઘરે પહોંચ્યા હતા અને તેમના પત્ની સાથે જીભાજોડી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા.

 જે દરમિયાન કમલેશભાઈ પંડ્યા આવી જતાં આરોપી વેપારીએ તેમની સાથે પણ તકરાર કરી હતી, અને પોલીસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું. અને નજીક પડેલી એક લાદીનો કટકો લઈને એડવોકેટ ઉપર હુમલો કરી દીધો હતો, જેથી મામલો ફરીથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને એડવોકેટ દ્વારા વેપારી જીતુભાઈ વિઠલાણી સામે હુમલા ધાકધમકી અને પતાવી દેવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે મામલે પી.એસ.આઇ જે.પી.સોઢા વધુ તપાસ ચલાવી રહ્યા છે.