Get The App

જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગર શહેરના એરફોર્સ રોડ નજીક કોમલનગર વિસ્તારમાં આવેલા મોમાઈ કૃપા ગેરેજ ખાતે કાર રીપેરિંગ મુદ્દે થયેલો વિવાદ મારામારીમાં ફેરવાયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે બન્ને પક્ષે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી છે.

પ્રથમ ફરિયાદ મુજબ, મનીષભાઈ મંગાભાઈ વાઘેલા (ઉંમર 42), રહેવાસી સોનલનગર એ આક્ષેપ કર્યો છે કે પોતાની ફોરવ્હીલર કાર રીપેર માટે ગેરેજમાં મુક્યા બાદ ગેરેજ માલિક દર્પણ જમનભાઈ પારિયા દ્વારા વારંવાર બહાના બનાવી કાર પરત આપવામાં આવતી નહોતી. ત્યારબાદ તા.01/04/2026ના રોજ સાંજે ગેરેજ પર કાર લેવા જતા દર્પણ પારિયા દ્વારા ગાળો આપી છાતીમાં માર મારવામાં આવ્યો હતો. તેમજ જીગો પારિયા સહિત પરિવારજનો સાથે મળી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, ગેરેજ સંચાલક દર્પણ જમનભાઈ પારિયાએ પણ વિરોધી પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, કારના એન્જિન માટે જરૂરી સામાન પૂર્ણ ન મળવાના કારણે રીપેરિંગ કામમાં વિલંબ થયો હતો. આ બાબતે ગ્રાહકને જાણ કરવામાં આવી હતી. છતા તા.01/04/2026ના રોજ સાંજે આરોપી ગેરેજ ખાતે આવી ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી થપ્પડ મારી તથા પથ્થર વડે હુમલો કરીને માથામાં ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો છે. આ બંને ફરિયાદોના આધારે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.