Get The App

અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લાના ચાર બ્લોકમાં ભાજપના ઉમેદવારોની ચર્ચા શરૂ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
અમૂલ ડેરીની ચૂંટણી માટે આણંદ જિલ્લાના ચાર બ્લોકમાં ભાજપના ઉમેદવારોની ચર્ચા શરૂ 1 - image


સક્ષમ નેતાગીરીના અભાવે કોંગ્રેસમાં ઉમેદવારો નક્કી કરવામાં હજૂ મૂંઝવણ

અમૂલ તરફથી સૂચિત મતદાર યાદી મળી નથી, દરખાસ્ત મળ્યા બાદ ચકાસણી કરી કલેક્ટરને મોકલી અપાશે : જિલ્લા રજીસ્ટાર

આણંદ: અમૂલ ડેરીની આગામી ઓગસ્ટના અંત સુધીમાં યોજાનારી ૧૨ ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણીમાં હજૂ અમૂલ તરફથી મતદાર યાદી આવી નહીં હોવાથી ચૂંટણીની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આણંદ જિલ્લામાંથી ભાજપ દ્વારા કોઈપણ સંજોગોમાં ચૂંટણી જીતવા માટે વ્યૂહ રચનાઓ ગોઠવી દેવાઈ છે. ત્યારે કોંગ્રેસ તરફથી હજુ સક્ષમ નેતાગીરીના અભાવે ઉમેદવારો નક્કી કરવામાં પણ મૂંઝવણ ઉભી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 

વિશ્વમાં સફેદક્રાંતિની નામના ધરાવનાર અમૂલ ડેરીની નિયામકની ૧૨ બેઠકોની મર્યાદા ઓગસ્ટ ૨૦૨૫માં પૂર્ણ  થાય છે. અમૂલ તરફથી ૧૨૫૮ જેટલી દૂધ મંડળીઓને મતદારોના ઠરાવો કરીને આપવાનું જણાવ્યા બાદ ૧૨૩૬ જેટલી મંડળીઓએ મતદારોના ઠરાવ કરીને અમુલને મોકલી આપ્યા હતા. 

મંડળીઓ દ્વારા ઠરાવો બાદ હજુ સુધી મતદારોની ચકાસણી અને સત્યતા અંગેની ખાતરી કરવાની કામગીરી અમૂલ તરફથી ચાલુ કરવામાં આવી છે. જેને કારણે મતદાર યાદી જાહેર કરવામાં વિલંબ આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આણંદ જિલ્લા રજીસ્ટાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, અમૂલ તરફથી સૂચિત મતદાર યાદી મળી નથી. મતદાર યાદી અને દરખાસ્ત આવે એટલે અમારી કચેરી તરફથી ચકાસણી કરીને કલેકટરને દરખાસ્ત મોકલી આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીની તારીખ અને જાહેરનામું બહાર પાડવામાં આવશે.

આણંદ જિલ્લા ભાજપ દ્વારા આણંદ જિલ્લાના ચાર બ્લોકમાંથી જીતી શકે તેવા ઉમેદવારોની યાદી મોટાભાગે નક્કી થઈ ગઈ છે. ભાજપના કાર્યકરો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ, આણંદ જિલ્લાના આણંદ બ્લોકમાંથી હાલના અમૂલના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાભાઈ પરમાર, ખંભાત બ્લોકમાંથી ચંદુભાઈ માધાભાઈ પરમાર, બોરસદમાંથી વીરસદના દતેશ અમીન તેમજ પેટલાદની મહિલા સીટમાંથી વિપુલભાઈ પટેલ રંગાયપુરાવાળાના પત્ની અથવા તેજસ પટેલના પત્ની બંનેમાંથી એક મહિલાને ઉમેદવારી કરાવાય તેવી શક્યતાઓ છે. પરંતુ આખરી અને ફાઇનલ નામોની યાદી અમૂલની ચૂંટણીના જાહેરનામા સમયે જ જાણવા મળશે. 

આણંદ જિલ્લામાં કોંગ્રેસમાં સક્ષમ નેતાગીરીના અભાવે આણંદ જિલ્લાના માત્ર બોરસદના અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન અને બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનું નામ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે અન્ય ત્રણ બ્લોકમાંથી હજુ કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવામાં મૂંઝવણ અનુભવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. 

- જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વ માટે અમૂલની ચૂંટણી જ આશાનું કિરણ

આણંદ જિલ્લામાં હાલ કોંગ્રેસ નેતાગીરીના અભાવે વેર-વિખેર થઈ ગઈ છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદ માટે કાર્યકરોની અવગણના થઈ રહી છે ત્યારે અમૂલની ચૂંટણી એકસૂત્ર થઈ લડશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આણંદ જિલ્લામાં ભૂતકાળમાં પાંચ ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે માત્ર હવે આંકલાવ બેઠક જ જાળવી રાખી છે. આણંદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે. બોરસદ એપીએમસી પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. માત્ર આંકલાવ એપીએમસી જ કોંગ્રેસ જીતી શકી છે. ૫૦ વર્ષથી આંકલાવ નગરપાલિકામાં સત્તા ધરાવતી કોંગ્રેસે ભૂંડી હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે હવે માત્ર અમૂલની ચૂંટણી જ કોંગ્રેસ માટે આશાનું કિરણ બની શકે તેમ છે.


Tags :