TRP ગેમ ઝોન અગ્નિકાંડના 7 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
27 જણાનો ભોગ લેનાર રાજકોટના ચર્ચાસ્પદ : બંને પક્ષોની વિસ્તૃત દલીલો અને રજૂઆતોના અંતે સેશન્સ કોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી
રાજકોટ, : 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 15 માંથી 7 આરોપીઓએ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા કરેલી અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી હતી. જેની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરાઇ છે તેવા આરોપીઓમાં ગેમ ઝોનના માલિક ધવલ ઠક્કર, ગેમ ઝોનમાં કાફે ચલાવનાર નીતિન લોઢા, ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપી ગૌતમ જોશી, એટીપી રાજેશ મકવાણા, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાનો સમાવેશ થાય છે.
આરોપીઓ તરફથી ડિસ્ચાર્જ અરજીમાં એવી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નિર્દોષ છે, તેમની સામે કોઇ પૂરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કર્યું છે. ચાર્જશીટ ફરમાવતી વખતે અદાલતે સંપૂર્ણ પૂરાવાનું પૃથ્થકરણ કરવું જોઇએ. જો એકથી વધુ દ્રષ્ટિકોણ સંભવિત હોય તો આરોપીઓ તરફેના દ્રષ્ટિકોણને લક્ષમાં લઇ આરોપીઓને ડિસ્ચાર્જ કરવા જોઇએ. સાક્ષીઓના નિવેદનમાં સત્યતા જણાતી નથી.
જેની સામે આ કેસના સ્પે. પીપી તુષાર ગોકાણીએ એવી દલીલો કરી હતી કે ડિસ્ચાર્જ અરજી અનિર્ણિયીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પૂરાવાઓનું મૂલ્યાંકન કરી શકે છે. આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના તે સાહેદ જણાવે છે તેની વિરૂધ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસીક્યુશનના પૂરાવાની વિશ્વસનિયતા પડકારી શકાય નહીં.
ડિસ્ચાર્જ અરજીનો નિર્ણય કરવા સમયે અથવા ચાર્જફ્રેમ કરવા સમયે પ્રોસીક્યુશન તરફે રજૂ કરવામાં આવેલા પૂરાવાઓ જેમાં સાહેદોના નિવેદનો અને દસ્તાવેજો વગેરે ધ્યાને લેતાં ચાર્જફ્રેમ કરવા માટે પૂરતો પૂરાવો છે કે કેમ તેટલું જ જોવાનું રહે છે. આરોપીઓને સજા કરવા માટે પૂરાવો અદાલત સમક્ષ સોગંદ પર જૂબાની ન થાય ત્યાં સુધી નિર્ણિત થઇ શકે નહીં.
કેસમાં ચાર્જફ્રેમ થઇ શકે તેટલો મજબૂત પૂરાવો તપાસનીશ અમલદાર દ્વારા અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. આરોપીઓ તરફે કોઇપણ જાતનો પૂરાવો રજૂ કર્યા વિના હાલના તબક્કે મૌખિક રીતે પૂરાવાનો માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન કરી તેનો વિશ્લેષણ કરવા માટે મીની ટ્રાયલને કાયદો સમર્થન આપતું નથી.પ્રોસીક્યુશન દ્વારા દરેક આરોપી વિરૂધ્ધ દરેક કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવો જોઇએ તેવી માંગણી કરાઇ નથી. પરંતુ જે આરોપીનો ગુનામાં જે રીતનો સહભાગ છે તે મુજબ જ તેવી કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવાની રજૂઆત કરવામા આવી છે. જે પ્રોસીક્યુશનની તટસ્થાતાનો પૂરાવો છે.