વડોદરાના સ્મશાન ગૃહોના સંચાલન માટે ખાનગીકરણના પહેલા દિવસે જ અવ્યવસ્થા જોવા મળી
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ 31 સ્મશાનોનું સંચાલન આજથી આઉટસોર્સિંગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પ્રથમ દિવસે જ સવારે અવ્યવસ્થા જોવા મળી હતી. કારેલીબાગના ખાસવાડી સ્મશાન ગૃહમાં આવેલા લોકોને લાકડા અને છાણા માટે આમતેમ દોડવું પડ્યું હતું. લોકોએ પણ કોર્પોરેશનની આ પ્રકારની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી. નિઝામપુરા સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ માટે આવેલા લોકોને લાકડા ભીના મળ્યા હતા. જ્યારે છાણા અને પૂળા તો હતા જ નહીં.
વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ કોર્પોરેશનને પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ થયો છે. કોઈપણ કામનો વર્ક ઓર્ડર આપતાં પહેલાં આગોતરો આયોજન કરવું જરૂરી હોય છે. આયોજન વિના લોકો કેટલા હેરાન થાય છે તેનો આ પુરાવો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને શહેરના તમામ 31 સ્મશાનોનું 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગ દ્વારા ત્રણ સંસ્થાને સંચાલન આજથી સોંપ્યું છે. કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સ્મશાન ગૃહનો જે સ્ટાફ હતો એમાંથી કેટલાકને નવા કોન્ટ્રાક્ટમાં સમાવી લેવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવાથી સવારે અમુક સ્મશાન ગૃહ ખાતે તકલીફ પડી હતી, પરંતુ તે શોર્ટ આઉટ કરી લેવામાં આવી છે.