ધંધો રોજગાર ઠપ થતાં વેપારીઓને હિજરત કરવાની નોબત
અંડરપાસ બંધ કરાતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું ઃ લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજૂબર - સત્વરે કામ પૂર્ણ કરવા માંગ
થાન - થાન સ્ટેશન રોડ પર રેલવે ફાટક પાસે લોકોની સુવિધા માટે શરૃ કરાયેલ અંડરપાસનું કામ છેલ્લા બે વર્ષથી અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. આ વિલંબને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેના વિરોધમાં વેપારી એસોસિએશને મામલતદાર અને રેલવે વિભાગને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.
થાન સ્ટેશન રોડ પર બે વર્ષ પૂર્વે શરૃ કરાયેલ રેલ્વે અંડરપાસની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે વેપારી એસોસિએશન દ્વારા રેલી યોજી મામલતદાર અને રેલ્વે વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.
અંડરપાસ બંધ હોવાથી લોકોને જીવના જોખમે ટ્રેક ક્રોસ કરવો પડે છે, જેમાં અગાઉ અકસ્માતે ત્રણ વ્યક્તિઓના મોત પણ થયા છે. સ્મશાન યાત્રામાં પણ ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બજારમાં અવરજવર અટકતા ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે, જેથી વેપારીઓએ હિજરત કરવાની નોબત આવી છે. જો આ કામગીરી સત્વરે પૂર્ણ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


