વડોદરાના દિવ્યાંગને બે શખ્સોએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી કરી'તી હત્યા
જામનગરમાં રેલવે બ્રિજ નીચેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
બંને શખ્સો વિકલાંગના ડબ્બામાં ચડતા વડોદરાના બે દિવ્યાંગોએ નીચે ઉતરી જવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને કૃત્ય આચાર્યાનો ઘટસ્ફોટ
વિગત એવી છે કે જામનગરના રેલવે ઓવરબ્રીજ નજીકથી ગઈકાલે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસ તપાસ દરમિયાન ચોકાવનારો ખુલાસો થયો હતો, અને તે વડોદરાના દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે પોરબંદરથી આવેલી ટ્રેનમાં દિવ્યાંગના ડબામાં મુસાફરી કરી રહેલા વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિી (ઉ.૩૫) જામનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ક્યાંક લાપતા બન્યા હતા, અને હાપા સુધીમાં તેનો પતો નહીં મળતાં તેની સાથે જ મુસાફરી કરનારા વડોદરાના પાઉલભાઈ મથુરભાઈ મકવાણા જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતરીને રેલવે પોલીસને જાણ કરી હતી, જેથી સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન વહેલી સવારે છ વાગ્યે જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે તેનું નિરીક્ષણ કરતાં તે મૃતદેહ હિતેશભાઈ મિીનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
રેલ્વે ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવતાં ખુલ્યું કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો હાજી અયુબ કાતીયા (ઉ.૩૫) તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો સદામ કાસમભાઈ કાચલીયા (ઉ.૩૨) વિકલાંગના ડબ્બામાં ચડયા હતા. જે ડબ્બામાં મૃત્યુ પામનાર હિતેશભાઈ તથા ફરિયાદ કરનાર પાઉલભાઇએ વિરોધ કરીને આ વિકલાંગનો ડબ્બો છે, તેમાંથી તમે ઉતરી જાવ કહી રક્ઝક કરી હતી. જેથી જ્યાં બંને શખ્સોએ ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પરિણામે પાઉલભાઈ જામનગર રેલવે સ્ટેશન પર ઉતરીને પોલીસનો સંપર્ક કરવા માટે ગયા હતા. જ્યારે હિતેશભાઈ બંને શખ્સો સાથે ઝગડો કરી રહ્યા હતા. આ દરમિયાન એકાએક ટ્રેન ચાલુ થઈ જતાં પાઉલભાઈ અન્ય ડબ્બામાં ચડી ગયા હતા, અને હાપા રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા બાદ વિકલાંગના ડબ્બામાં જઈને નિરીક્ષણ કરતાં બંને શખ્સો અને હિતેશભાઈ ગાયબ થઈ ગયા હતા.
આથી તેઓએ હાપા રેલવે સ્ટેશન પર ઉતરીને ફરીથી પોલીસનો સંપર્ક કર્યો હતો, અને હિતેશભાઈ ચાલુ ટ્રેનમાંથી ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી. તેના અનુસંધાને જામનગર રેલવે પોલીસ ટુકડીએ શોધખોળ કર્યા બાદ વહેલી સવારે ૬ વાગ્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો, અને સમગ્ર મામલામાં આ બનાવ હત્યાનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પરિણામે રેલવે પોલીસે બંને આરોપીઓ હાજી અયુબ અને સદામ કાસમ કે જેઓને શોધી લીધા હતા, અને તેઓની પૂછપરછ કરતાં બંનેએ હિતેશભાઈ સાથે ઝઘડો કર્યા પછી તેને નીચે ફેંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ રેલવે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી હતી.