અમદાવાદ એરપોર્ટમાં બે વિમાન અથડાતા રહી ગયા! DGCAનો તપાસનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Airport News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટેક્સી વેમાં બે વિમાન સામ-સામે આવી જતાં મોટી દુર્ઘટના થવાનું જોખમ સર્જાયું હતું. રાહતની વાત એ છે કે, છેલ્લી ઘડીએ દાખવવામાં આવેલી સતર્કતાથી દુર્ઘટના ટળી ગઈ હતી. હવે આ મામલે ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા તપાસના આદેશ અપાયા છે અને દેશભરના એરપોર્ટમાં ટેક્સી વેના ઉપયોગને લઈને સતર્કતા દાખવવા તાકીદ કરાઈ છે.
ફ્લાઈટ દ્વારા ખોટો વળાંક લેવામાં આવતાં સંભવિત દુર્ઘટનાની સ્થિતિ સર્જાઈ હોવાનો એરલાઈન્સનો દાવો
મળતી માહિતી અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-2493 બુધવારે (24મી જૂન) મોડી સાંજે મુંબઈથી અમદાવાદ આવી હતી. એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા વિમાનને ટેક્સીવે ‘સી’ અને ‘જી’ મારફતે સ્ટેન્ડ નંબર 34એલ સુધી જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ પાયલટની ભૂલને પગલે ટેક્સિંગ દરમિયાન વિમાનને ફાળવવામાં આવેલો ટેક્સી છોડીને વિમાનને ફાળવવામાં આવેલો ટેક્સી વે છોડીને ખોટો વળાંક લીધો હતો. જેના કારણે, મુંબઈ જવા તૈયાર ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-5160 સામે આવી ગઇ હતી. આ પરિસ્થિતિને
ધ્યાનમાં રાખીને એર ટ્રાફિક કન્ટ્રોલની ટીમે ઇન્ડિગોના વિમાનને રોકી દીધું હતું. બંને વિમાન 200 મીટરના અંતરે ઊભા રહ્યા હતા અને જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
એર ઇન્ડિયા દ્વારા પાયલટની ભુલ સ્વીકારવામાં આવી છે. આ ઉપરાંત આટલી ગંભીર બેદરકારી કે ભુલની તપાસ ડીજીસીએ દ્વારા શરૂ કરવામાં આવી છે. ડીજીસીએ દ્વારા તમામ એરપોર્ટ મેનેજમેન્ટને આ બાબતે તકેદારી રાખવા અને આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તેની ચોકસાઈ માટે તાકીદ કરાઇ છે. એર ઈન્ડિયા દ્વારા પોતાના નિવેદનમાં ફ્લાઈટ દ્વારા ખોટો વળાંક લઈ લેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ મેનેજમેન્ટનો દાવો છે કે, સમગ્ર ફ્લાઈટ લેન્ડ થાય અને પાર્કિંગ સુધી પહોંચે ત્યા સુધી તેનું નિમયમ એટીસી કરે છે. જેમાં મેનેજમેન્ટની કોઈ ભૂમિકા નથી. બીજી તરફ એટીસી દ્વારા પોતાની સતર્કતાને લઈને દુર્ઘટના ટળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટના શા માટે ‘અત્યંત ગંભીર’ની શ્રેણીમાં મૂકાઈ?
સુરક્ષાની દ્રષ્ટિએ આ ‘સીરિયસ સેફ્ટી ઈન્સિડેન્ટ’ ગણાય છે. કેમકે, જો વિમાનોની ગતિ વધુ હોત અને સમયસર બ્રેક લાગત નહીં તો ટક્કર થઈ શકે તેમ હતી.
બે વિમાન સામ-સામે આવી જવાનું કારણ શું હોય છે?
વિમાન જમીન પર ચાલતું હોય ત્યારે પણ પાયલટ, એર ટ્રાફિક કન્ટ્રોલ, એરપોર્ટ સાઈનેજ, ગ્રાઉન્ડ મૂવમેન્ટ સિસ્ટમ વચ્ચે સંપૂર્ણ સમન્વય જરૂરી હોય છે. આ ઘટના થવા માટે એટીસીની સૂચના ખોટી રીતે સમજવી, ટેક્સી વેની સાઈન ચૂકી જવી, રાત્રે વિઝિબિલિટી ઓછી હોવાથી ટેક્સી વે ઓળખવામાં મુશ્કેલી જેવા કારણ હોય છે.
બે વિમાન સામ-સામે ચાર વર્ષમાં ત્રીજી ઘટના
•જૂન 2024માં મુંબઈ એરપોર્ટમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાન જમીન પર નજીક આવી ગયા હતા. એક વિમાન પુશબેક તો બીજું વિમાન ટેક્સિંગ કરી રહ્યું હતું.
•2023ના વર્ષમાં ઇન્ડિગો વિમાનનો પાછળનો ભાગ રન-વે સાથે અથડાયો હતો. ટેક્સી વેએ પાયલોટ સામે કાર્યવાહી કરી હતી.









