Gujarat
મહુવામાં જાહેર રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, રખડતા ઢોરનો ત્રાસ વધ્યો
By GS TEAM
13 Jul 20251 min read

- વરસાદી પાણીમાં કચરાના ઢગલા ખદબદતા મચ્છર-માખીઓનો ઉપદ્રવ
- વોર્ડવાઈઝ કાયમી સફાઈ કરવા નાગરિકોની માંગ
મહુવા : મહુવા શહેરમાં રેઢિયાળ નગરપાલિકા તંત્રના પાપે જાહેર રસ્તાઓ ઉપર ગંદકીનું સામ્રાજ્ય વધતું જઈ રહ્યું છે.આ ઉપરાંત રખડતા ઢોરના ત્રાસ પણ કાયમી હોય, નાગરિકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
મહુવાના નૂતનનગર, કુબેરબાગ, જનતા પ્લોટ, જે.પી. હાઈસ્કૂલ, ભાદ્રારોડ, જાપા વિસ્તાર, એકતા સોસાયટી, બ્રહ્મસમાજ રોડ, વીંટીનગર રોડ, મુન્નીનગર સહિતના વિસ્તારોમાં નિયમિત સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય, વરસાદી પાણીમાં કચરાના ઢગલા ખદબદી રહ્યા હોય, મચ્છર-માખીનો ઉપદ્રવ વધ્યો છે. જેને કારણે શહેરમાં તાવ, મેલેરિયા, ટાઈફોડ જેવા રોગોએ માઝા મુકી છે. સોસાયટી વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી પણ બંધ છે. જેના કારણે સ્થિતિ વકરી હોય, ન.પા. તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી કચરાના ઢગલા ઉપાડવા અને વોર્ડ વાઈઝ કાયમી સફાઈ શરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.








