Gujarat

વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર

By GS TEAM
27 Dec 20251 min read
વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર

- ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

- ગટરના પાણી રેલાતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ : સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ

લખતર : લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) પાસે પાયાની સુવિધાઓના અભાવે ગંદકીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આરોગ્ય કેન્દ્રની બિલકુલ બહાર કાદવ અને દુર્ગંધયુક્ત પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આરોગ્ય કેન્દ્રને જોડતા મુખ્ય માર્ગો પર ગટરના પાણી અને કાદવના થર જામ્યા છે. જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જે રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે.

એક તરફ આરોગ્ય કેન્દ્ર લોકોને સ્વચ્છતા અને સ્વાસ્થ્યના પાઠ ભણાવે છે, ત્યારે તેની જ બહાર ફેલાયેલી આ ગંદકી તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર જાગે અને વહેલી તકે કાયમી રસ્તો બનાવી આ કાદવ-કીચડની સમસ્યાનો સત્વરે નિકાલ કરે.