આંતરસુંબાના સીએચસી પાસે ગંદકી અને કાદવ-કીચડ
- ગ્રામસભામાં રજૂઆતો છતાં ઉકેલ નહીં, તપાસ ચાલુ હોવાનું ટીડીઓનું રટણ
કપડવંજ : કપડવંજના આંતરસુંબા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર આગળ ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી છે. સીએચસી પાસે પંચાયતની પાણી વાલ લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે અને પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્વવ વધ્યો છે.
ગામમાં ગંદકી અને પાણીના વેડફાટ મામલે ગ્રામજનો અને પંચાયતના સદસ્યોએ એકઠા થઇને ગ્રામ સભામાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે રસ્તો નિકોલ ગ્રામ પંચાયતના જોરાપુરા તરફ જતો હોવાથી સરપંચ કાળુસિંહ અને ગ્રામજનોએ રજૂઆત કરી હતી. પરંતુ સરપંચ અને ગ્રામજનોને જણાવ્યા અનુસાર, પંચાયતના તલાટી અને સરપંચ પતિ મનમાની કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત સરકારી જમીનમાં ગેરકાયદે આકારણી કરીને વેચાણ કર્યાની ફરિયાદ કરી હતી. આ મામલે મનુભાઇ પટેલે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી છે. ત્રણ મહિના થયા છતાં પણ યોગ્ય જવાબ મળ્યો નથી.
આ બાબતે તપાસ ચાલુ હોવાનું ટીડીઓએ જણાવ્યું હતું.