દીર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને રૂપિયા દસ લાખથી વધુ રકમ પડાવી લીધી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના જાણીતા મીડિયાના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ક્રાઇમ બ્રાંચ, નિકોલ બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રીજી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેણે સરદારનગરના સિંધી વેપારીએ ભાડે લીધેલી દુકાનના સીલ ખોલાવી આપવાનું કહીને તેમજ કાયદાકીય મદદ કરવાનું કહીને બે આઇફોન, 80 હજારના કપડાં અને રોકડ સહિત સાડા દસ લાખ રૂપિયાની રકમ પડાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સૌથી મહત્વની વાત એ છે કે તેણે સાત વર્ષ પહેલા તેનું પરાક્રમ આચર્યુ હતું. ત્યારે સરદારનગરના અન્ય વેપારીઓએ પણ પુરાવા સાથે પોલીસનો સંપર્ક કર્યો છે.

મિડીયા હાઉસના નામે વેપારીઓને અન્ય લોકોને ધમકી આપીને તોડબાજી કરવાની સાથે ભય ફેલાવવાની નાણાં ખંખેરવાના કેસમાં ફસાયેલા કુખ્યાત પત્રકાર દીર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ત્રીજી ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. હાંસોલમાં આવેલા ઇસ્કોન વિલામાં રહેતા મુકેશભાઇ ખુશાલાનીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે 1995થી સરદારનગરમાં બેકરી ચલાવતા હતા. પરંતુ, વર્ષ 2017માં તેમને કાપડનો વ્યવસાય કરવાનું નક્કી કરીને સરદારનગરમાં જ રહેતા રણજીતસિંહ આહુજાના નામની ત્રણ દુકાનો 75 હજારના ભાડેથી લીધી હતી. બાદમાં દુકાનમાં ફર્નિચર અને અન્ય મળીને કુલ 90 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. પરંતુ, કાપડનો શો રૂમ શરૂ કરવાના એક મહિના પહેલા જ ત્રણેય દુકાનો કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવી હતી. જે દુકાનના સીલ ખોલાવવા માટે દુકાનના માલિક રણજીતસિંહે કાર્યવાહી કરી નહોતી.
આ દરમિયાન મુકેશભાઇના પરિચીત મોહન લાલવાણીએ જણાવ્યું હતું કે દીર્ઘાયુ વ્યાસ નામના પત્રકારને ઓળખે છે.જેને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઓળખે છે. જે તમારૂ કામ કરાવી આપશે. જેથી મુકેશભાઇએ દીર્ઘાયુ વ્યાસ સાથે મુલાકાત કરી ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરાવી આપવાથી માંડીને દુકાનના એડવાન્સ ભાડાની રકમ અને અન્ય ખર્ચ અપાવવાની ખાતરી આપી હતી. તેણે એવું પણ કહ્યુ હતું કે તેણે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત પણ કરી લીધી છે. ત્યારબાદ તેણે બે આઇ ફોન અને એક મ્યુઝીક સિસ્ટમની માંગણી કરતા મુકેશભાઇએ મોબાઇલ ફોન અને મ્યુઝીક સિસ્ટમ આપી હતી.
પરંતુ, દસ દિવસ બાદ દીર્ઘાયુએ ઉચ્ચ પોલીસ અધિકારીને આપવા માટે બે લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતું, મુકેશભાઇને ખુબ જ ખર્ચ થઇ ગયો હોવાથી તેમણે વધુ નાણાં આપવાની ના કહી હતી. ત્યારે દીર્ઘાયુ વ્યાસે ધમકી આપી હતી કે જો પૈસા નહી આપો તો વેટ, હેલ્થ અને ફુડ વિભાગના દરોડા પડાવીને બેકરી સીલ કરાવી દઇશ. તેમજ દારૂના ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ. જેથી મુકેશભાઇએ ડરીને બે લાખ રૂપિયા આપ્યા હતા.
આ દરમિયાન મુકેશભાઇએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં રણજીતસિંહ આહુજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીઓને આગોતરા જામીન નહી મળે તે માટે દીર્ઘાયુ વ્યાસ અને મોહન લાલવાણી સારો વકીલ રોકવાનું કહીને પાંચ લાખ રૂપિયા લીધા હતા.
આ ઉપરાંત, મોહન લાલવાણીએ દીર્ઘાયુ વ્યાસ સાથે મળીને મુકેશભાઇના બનેવીની કપડાની દુકાનમાંથી 80 હજારના કપડા નાણાં ચુકવ્યા વિના ખરીદી કર્યા હતા. આ ઉપરાંત, બેકરીમાંથી અવારનવાર દાદાગીરી કરીને કેક અને અન્ય ચીજવસ્તુઓ લઇ જતો હતો. આમ, તેણે કુલ સાડા દસ લાખની મત્તા પડાવી હતી. તાજેતરમાં દીર્ઘાયુ વ્યાસના પરાક્રમ સામે આવતા મુકેશભાઇએ પુરાવાના આધારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.








