Gujarat

દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો

By GS TEAM
14 Oct 20251 min read
દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં 40 ટકા જેટલો ઘટાડો

વડોદરાઃ  છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં જોવા મળતા આગ ઝરતી તેજીના કારણે આજે દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રના દિવસે સોનુ અને ચાંદી લેનારા લોકોની ઘરાકીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

એક અંદાજ પ્રમાણે શહેરમાં આજે લગભગ ૧૦૦ કરોડ રુપિયાના સોના અને ચાંદીના દાગીના અને લગડીઓનું વેચાણ થયું હતુ.જે અપેક્ષા કરતા ઓછુ હોવાનું વેપારીઓએ કહ્યું હતું.આજે સોનુ અને ચાંદી ખરીદનારા લોકોએ મોટાભાગે લગડી પર જ પસંદગી ઉતારી હતી અને દાગીના ખરીદનારાઓનું પ્રમાણ માંડ ૨૦ ટકા રહ્યું છે.

વેપારી સુનિલ ગણદેવીકરે કહ્યું હતું કે, આજે સોનાની દસ ગ્રામની લગડીનો ભાવ બપોર સુધી ૧.૩૧ લાખ રુપિયા હતો અને ચાંદીનો એક કિલોનો ભાવ ૧.૮૦ લાખ રુપિયા જેટલો હતો.જોકે ચાંદીની અછત જોવા મળી રહી છે.ઘણા શો રુમો અને દુકાનો પાસે ચાંદીનો સ્ટોક આજે ઓછો હતો અને તેમણે ગ્રાહક દીઠ ૫૦ ગ્રામ સુધી જ ચાંદીનું વેચાણ કર્યું છે.

ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં ૭૦ ટકાનો વધારો થયો હોવાથી લોકોએ શુકન પૂરતી જ ખરીદી કરી છે.અન્ય એક વેપારી અશ્વિન ચોકસીએ કહ્યું હતું કે, ઘરાકીમાં ગત વર્ષ કરતા ૪૦ ટકા જેટલો ઘટાડો છે.લગ્નસરાની ખરીદી તો લોકોએ અત્યારે  લગભગ ટાળી જ દીધી છે.