સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળા
Surat : સુરત પાલિકા દ્વારા બનાવવામાં આવેલા ગાર્ડન પીપીપી ધોરણે આપીને પાલિકા આર્થિક ભારણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાલિકાએ પહેલા બનાવેલી નીતિના કારણે અનેક ગાર્ડન પીપીપી મોડલ પર ડેવલપ થઈ રહ્યાં છે. જોકે, થોડા સમય પહેલા પાલિકાએ પીપીપી ધોરણે ગાર્ડન સંચાલનના કરવામા આવેલા ધરખમ ફેરફારના કારણે પાલિકા સાથે લોકભાગીદારી કરતી એજન્સી દૂર ભાગી રહી છે. જેના કારણે કરોડોના ખર્ચે બનાવેલા ગાર્ડન વેરાન બની રહ્યાં છે. પાલિકાએ 2022માં 15 કરોડના ખર્ચે ડિંડોલી ફ્લાવર ગાર્ડન બનાવ્યો હતો. પરંતુ પાલિકા અને પીપીપી એજન્સી વચ્ચે રોયલ્ટી મુદ્દે ગુંચ પ઼ડતા ગાર્ડન બંધ હાલતમાં છે. પાલિકા તંત્ર કહે છે પંદરેક દિવસથી ગાર્ડન બંધ છે જ્યારે સ્થાનિકો કહે છે લાંબા સમયથી ગાર્ડન બંધ છે આમ પાલિકાની બેદરકારીના કારણે કરોડોના ખર્ચ બાદ પણ લોકોને ગાર્ડનનો ઉપયોગ કરવા મળતો નથી.
સુરત પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા પાલિકાની તિજોરી પર ભારણ આવતું હોય પાલિકાએ ગાર્ડનનો ઝીરો મેઈન્ટેનન્સ આવે તે માટે પીપીપી ધોરણે ગાર્ડન સંચાલન માટે આપવા માટે આયોજન કર્યું છે. પંરતુ ત્યારબાદ અચાનક પુર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે નીતિમાં ફેરફાર કરી દીધા હતા. આ ફેરફારના કારણે પીપીપી ધોરણે ગાર્ડનનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ નવી શરત મુજબ કામગીરી કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે.
જેમા અન્ય ગાર્ડન સાથે લિંબાયત (સાઉથ ઈસ્ટ) ઝોન ખાતે આવેલ છઠ સરોવર અને ફ્લાવર ગાર્ડન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) થી ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાના કામમાંથી એજન્સીને મુક્ત કરવા રજૂઆત કરી હતી. આ મુદ્દે પાલિકાએ કોઈ નિર્ણય લીધો નથી જેના કારણે 2022માં 15 કરોડના ખર્ચે બનાવેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડન હાલ બંધ હાલતમાં છે. ગાર્ડન વિભાગના અધિકારી દેવાંગ નાયક કહે છે, પંદરેક દિવસથી ગાર્ડન બંધ છે અને ગાર્ડનના સંચાલન માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ગાર્ડન લોકો માટે ફરીથી ખુલ્લો મુકાશે. પરંતુ સ્થાનિકો કહે છે લાંબા સમયથી ગાર્ડન બંધ છે અને ગાર્ડનની અંદર માવજત થતી ન હોવાથી ઉજ્જડ જેવો બની ગયો છે.
પાલિકાએ ત્રણ વર્ષ પહેલાં 15 કરોડના ખર્ચે ગાર્ડન બનાવ્યો છે તેની માવજત પાલિકાની એજન્સી પણ કરતી નથી કે પાલિકા તંત્ર પણ માવજત કરતું નથી જેના કારણે સુરતની પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. આ ગાર્ડનની અંદરની હાલત બતવે છે કે ગાર્ડન લાંબા સમયથી બંધ છે. હવે લોકો ગાર્ડન તાત્કિલાક ખુલ્લો મુકે તેવી માંગણી કરી રહ્યાં છે.
ગાર્ડનનું લોકાર્પણ થાય તે પહેલાં કેટલાક વિદેશી રોપા ચોરાઈ ગયા હતા
સુરત પાલિકાનો ડિંડોલી ફ્લાવર ગાર્ડન બન્યો ત્યારથી જ વિવાદમાં આવ્યો છે. પાલિકાએ 15 કરોડના ખર્ચે ગાર્ડન બનાવ્યો છે. આ ગાર્ડન 2022ની વસંત પંચમીના દિવસે ખુલ્લો મુકાયો હતો. ગાર્ડનમાં જુદી-જુદી દેશી વિદેશી પ્રજાતિના રંગબેરંગી લાખો રોપાઓ રોપવામાં આવ્યા હતા. જોકે, આ ગાર્ડન શરૂ થાય તે પહેલાં જ કેટલાક વિદેશી રોપા ચોરાયા હોવાની ફરિાયદ થઈ હતી. ગાર્ડનના લોકાપર્ણ બાદ ગાર્ડનની સુંદરતા એટલી બધી હતી કે સંખ્યાબંધ રીલ વાયરલ થઈ હતી ત્યાર બાદ બે વર્ષમાં જ ગાર્ડનમાં પાલિકા અને સંચાલક વચ્ચે ચાલતા ઝઘડાના કારણે ગાર્ડન ઉજ્જડ જેવો બની ગયો છે અને લાંબા સમયથી બંધ છે.
શાસક પક્ષ નેતાને ખબર નથી ગાર્ડન ક્યારથી બંધ છે
સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શશીબેન ત્રીપાઠીના વોર્ડમાં આ ગાર્ડન આવે છે. સ્થાનિકો કહે છે ગાર્ડન લાંબા સમયથી બંધ છે અને પાલિકાનો ગાર્ડન વિભાગ કહે છે ગાર્ડન 15 દિવસથી બંધ છે. પરંતુ ગાર્ડન બંધ છે તેની ખબર પાલિકાના શાસક પક્ષ નેતાને છે જ નથી. તેઓ કહે છે ગાર્ડન ક્યાં બંધ છે આના ગાર્ડન બંધ ન કહેવાય તેના કારણે લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે.