સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા, બલવિંદર સિંહ બન્યા વાઇસ ચેરમેન
IFFCO Chairman Elected : ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટર પદ માટે ગઈકાલે દિલ્હી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઇફ્કોના ચેરમેન પદે ફરી દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તો બલવિંદર સિંહની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ છે. જણાવી દઈએ કે, ઇફ્કો દર વર્ષે 60 હજારથી વધુ કરોડનું ટર્નઓવર કરે છે.
ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાની જીત થઈ હતી
ઇફ્કોમાં ખાલી પડેલા ડિરેક્ટર પદ માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જે મામલો ખુબ ચર્ચામાં રહ્યો હતો. આ ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. કુલ 182 મતદારો છે, જેમાંથી બે મતદાર વિદેશમાં રહે છે. કુલ 180 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી જયેશ રાદડિયાને 113 મત અને બિપિન પટેલને 67 મત મળ્યા હતા. તો આજે ઇફ્કોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી.
21 ડિરેક્ટરોની બોર્ડ મિટિંગમાં થઈ નિયુક્તિ
ઇફ્કોના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે 21 ડિરેક્ટરોની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બીજી વખત નિયુક્તિ કરાઈ છે. તો ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે બે ટર્મથી જયેશ રાદડિયાની જીત થઈ છે. જણાવી દઈએ કે, આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.