વડોદરા,બુધવાર
કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની રચના થયા બાદ તમામ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓના રેકોર્ડને ડિજિટાઈઝ કરવાના છે.જોકે આ કામગીરીમાં રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓની સરખામણીએ એમ.એસ.યુનિવર્સિટી સાવ પાછળ રહી ગઈ છે.
મળતી વિગતો પ્રમાણે ૨૦૨૧થી સરકારે નવી શિક્ષણ નીતિના ભાગરુપે વિદ્યાર્થીઓની એકેડેમિક ક્રેડિટ બેન્ક બનાવવાની યુનિવર્સિટીઓને સૂચના આપી છે.જેના ભાગરુપે દરેક વિદ્યાર્થીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ માટેનું આઈડી બનાવવાનું હોય છે.જેમાં યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી અપલોડ થાય છે.આ તમામ રેકોર્ડ નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં રહે છે.વિદ્યાર્થીઓ પાસે એબીસી આઈડી બનાવવાની કામગીરી યુનિવર્સિટીએ કરાવવાની હોય છે.સૂત્રોનું કહેવું છે કે, ૨૦૨૧ બાદ અત્યાર સુધીમાં પૂર્વ અને વર્તમાન એમ કુલ મળીને ૭૫૦૦૦ વિદ્યાર્થીઓના એબીસી આઈડી બનાવવાના છે પણ અત્યાર સુધીમાં ૪૦ ટકા જેટલા જ પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓના આઈડી બન્યા છે.બાકીના તમામના આઈડી બનાવવાના બાકી છે.જ્યાં સુધી આઈડી નહીં બને ત્યાં સુધી એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન શક્ય બને તેમ નથી.
એબીસી આઈડી નહીં બનવાના કારણો
-- વિદ્યાર્થીઓને એકેડમિક ક્રેડિટ બેન્કનું મહત્ત્વ નથી ખબર અને આ બાબતે યોગ્ય જાગૃતિ પણ નથી
--વિદ્યાર્થીઓએ આધાર કાર્ડમાં આપેલો મોબાઈલ નંબર અને અભ્યાસ કરતી વખતે આપેલો મોબાઈલ નંબર અલગ હોવાથી પણ એબીસી આઈડી બની શકતું નથી
--ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને આઈડી બનાવવા માટે ફરજ પાડવાની કામગીરીમાં ઢીલાશ
--કોમર્સ જેવી મોટી ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓની સતત ગેરહાજરી
એબીસી આઈડી હવે નોકરી માટે પણ મહત્ત્વનું બની રહ્યું છે
સૂત્રોનું કહેવું છે કે, બોગસ માર્કશીટ અને ડિગ્રીના વધી રહેલા કિસ્સાઓના કારણે હવે ઘણી કંપનીઓ વિદ્યાર્થીઓને નોકરી આપતી વખતે એબીસી આઈડી થકી નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં અપલોડ થયેલી માર્કશીટ અને ડિગ્રી જોવાનો આગ્રહ રાખે છે અને તેના કારણે હવે વિદ્યાર્થીઓની એબીસી આઈડી ઘણું મહત્વનું બની ગયું છે.ઉપરાંત વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ પ્રવેશ લે તો તેમની એકેડમિક ક્રેડિટ ટ્રાન્સફર કરવા માટે પણ એબીસી આઈડી બનેલું હોવું જરુરી છે.


