Get The App

યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
યુપીઆઈ પેમેન્ટની લોકપ્રિયતા સામે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સી નિષ્ફળ 1 - image

વડોદરાઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો ડિજિટલ કરન્સી( ડિજિટલ રુપિયો અથવા ઈ- રુપિયો)નો પ્રયોગ યુપીઆઈ(યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)  પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતા સામે ટકી શકે તેમ નથી અને તે  નિષ્ફળ ગયો છે તેવું તારણ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સ વિભાગના અધ્યાપક મનોજ પરમારે પોતાના રિસર્ચ પેપરમાં રજૂ કર્યું છે.

ઈમ્પેકટ ઓફ આરબીઆઈસ ડિજિટલ રુપિ ઓન ટ્રેડિશન બેન્કિંગ સિસ્ટમ ઈન ઈન્ડિયા...વિષય પરના આ  રિસર્ચ પેપરને તામિલનાડુના ચેન્નાઈ ખાતે યોજાયેલી એક નેશનલ કોન્ફરન્સમાં શ્રેષ્ઠ રિસર્ચ પેપરનો એવોર્ડ મળ્યો છે.મનોજ પરમારનું કહેવું છે કે, ૨૦૨૨માં રશિયા-યુક્રેન યુધ્ધના ના પગલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે રુપિયામાં લેવડ દેવડ કરવાના આશયથી તેમજ ઘરઆંગણે રોકડ પરની નિર્ભરતા ઓછી કરવા માટે  ઈ- રુપિયો (હોલસેલ) અને ઈ- રુપિયો( રિટેલ) એમ બે પ્રકારે  ડિજિટલ કરન્સી લોન્ચ કરી હતી.જોકે યુપીઆઈના વર્ચસ્વ સામે આ પ્રયોગ લાંબો ચાલી શકે તેમ નથી.જેમ કે આજે દર મહિને ૧૧ અબજ અને રોજના ૩૦ કરોડ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ થકી થાય છે.જેનું કુલ મુલ્ય ૧૭ લાખ કરોડ રુપિયા છે.તેની સામે સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ડિજિટલ કરન્સી સાથે  ૪૦ લાખથી વધારે વેપારીઓ જોડાયા છે પણ તેના થકી થતા  ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે.૨૦૨૩માં એક તબક્કે ડિજિટલ કરન્સીના ૧૦ લાખ ટ્રાન્ઝેક્શન થતા હતા અને હાલમાં રોજ ડિજિટલ કરન્સી થકી માત્ર એક લાખ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.જેનું કુલ મુલ્ય માત્ર ૩૨૩ કરોડ રુપિયા છે.તેની સામે ભારતમાં ૩૫ લાખ કરોડનું રોકડ ચલણ ફરે છે.આમ ડિજિટલ કરન્સી થકી થતા નાણાકીય વ્યવહારો વધવાની જગ્યાએ ઘટી રહ્યા છે.લોકોમાં પણ ડિજિટલ કરન્સી અંગે વધારે જાગૃતિ નથી.

પોતાનો ધંધો ગુમાવવો પડે તેમ હોવાથી પરંપરાગત બેન્કો ડિજિટલ કરન્સીને પ્રમોટ કરતી નથી 

મનોજ પરમારનું કહેવું છે કે, ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કેશ બેક જેવું પ્રોત્સાહન આપતી સ્કીમ અમલમાં નથી.તેને લઈને જાગૃતિનો પણ અભાવ છે.ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ૧૯ ટકા લોકોને ડિજિટલ કરન્સી અંગે જાણકારી છે.ડિજિટલ કરન્સીના વ્યવહાર માટે બેન્ક એકાઉન્ટની જરુર નથી.ડિજિટલ કરન્સીની લેવડ દેવડ ઓફલાઈન મોડમાં પણ થઈ શકે છે.પરંતુ તેની સામે લોકોને વ્યાજ પણ મળતું નથી.ઉપરાંત આ રકમની લેવડ દેવડ રિઝર્વ બેન્ક થકી જ થતી હોવાથી પરંપરાગત બેન્કો પણ તેને પ્રમોટ કરી રહી નથી.કારણકે ડિજિટલ કરન્સીનું ચલણ વધે તો બેન્કોને પોતાનો ધંધો ગુમાવવો પડે તેમ છે.રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી માટે જાગૃતિ આવે તેવા પ્રયાસો જાતે કરવા પડે તેમ છે.આ જ સ્થિતિ રહી તો ડિજિટલ કરન્સી બહું જલ્દી જનમાનસમાંથી ભૂલાઈ જાય તો નવાઈ નહીં હોય.

ડિજિટલ કરન્સી શું છે 

ડિજિટલ કરન્સી દેશની રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલી કરન્સી છે.જે ચલણી નોટો અને સિક્કા જેવી જ માન્યતા ધરાવે છે પણ તે સંપૂર્ણ પણે ડિજિટલ સ્વરુપમાં છે.ભારતની ડિજિટલ કરન્સી એટલે કે ઈ- રુપિયો ડિજિટલ વોલેટમાં રાખી શકાય છે.મોબાઈલ એપ ડાઉનલોડ કર્યા બાદ ઈન્ટરનેટ વગર અને  બેન્ક એકાઉન્ટ વગર કેવાયસીના આધારે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે સબસિડીનો લાભ આપવા માટે.તેના પર જોકે વ્યાજ મળતું નથી.સરકારે રોકડ પર આધાર ઘટાડવા અને  સુરક્ષિત નાણાકીય લેવડ દેવડ કરવાના આશયથી આ કરન્સી લોન્ચ કરી હતી.


Tags :