- મામલતદારને આવેદન આપી રજૂઆત
- 2022 ના કરાર મુજબ મોબાઈલ આપ્યા વિના જ ઓનલાઈન કામ માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
કઠલાલ : કઠલાલ નગર તેમજ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ બુધવારે પોતાની પડતર માંગણીઓ અને વહીવટી તંત્રના ત્રાસ સામે કઠલાલ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રોષ વ્યક્ત કર્યોે છે. વર્ષ ૨૦૨૨ના કરાર મુજબ હજુ સુધી મોબાઈલ ફોન ન મળ્યા હોવા છતાં, નવી નવી એપ્લિકેશનો દ્વારા ઓનલાઇન કામ કરવાના દબાણને લઈને બહેનોએ લડાયક મૂડ અપનાવ્યો છે.
આંગણવાડી બહેનોએ આપેલા આવેદન મુજબ, સરકાર તરફથી ૨૦૨૨માં થયેલા કરાર મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં હજુ સુધી તેમને સરકારી મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે, સુવિધા આપ્યા વગર તંત્ર દ્વારા કાર્યકર બહેનોને પોતાના ખર્ચે મોબાઈલ વસાવીને કામ કરવા ફરજ પાડવામાં આવી રહી છે. તેમજ બહેનોએ આવેદનમાં જણાવ્યું હતું કે, કોઈપણ જાતની તાલીમ કે માર્ગદર્શન વગર રોજ નવી એપ્લિકેશનોમાં કામ સોંપી દેવામાં આવે છે અને સરકારની નવી એપ ખામીયુક્ત છે. નેટવર્ક ન હોવાને કારણે એપ ડાઉનલોડ થતી નથી કે ફોટા અપલોડ થતા નથી. ટેક્નિકલ ખામીને કારણે કામમાં સહેજ પણ ભૂલ થાય કે ફોટો સમયસર અપલોડ ન થાય, તો તુરંત નોટિસ ફટકારવામાં આવે છે અને પગાર કાપી લેવાની ધમકી આપવામાં આવે છે.
હાલમાં લોન્ચ કરવામાં આવેલી એવીટી એપ્લિકેશન ખૂબ જ ખામીયુક્ત હોવાનું બહેનોએ જણાવ્યું છે. આ એપમાં ફોટામાં પુરતા બાળકો દેખાતા નથી તે ફોટો નિશ્ચિત સમયે અપલોડના થાય તો નોટીસ આપવામાં આવે છે. કઠલાલ મામલતદારને આવેદનપત્ર આપીને બહેનોએ માંગ કરી છે કે, વહેલી તકે કરાર મુજબના મોબાઈલ આપવામાં આવે અને ટેક્નિકલ ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી નોટિસ આપવાનું બંધ કરવામાં આવે. જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનવાની શક્યતા છે.


