બપોર બાદ રોશની ઓછી હોવાથી બજારમાં હીરાની ખરીદીમાં મુશ્કેલી
વરાછા મીનીબજારમાં કામકાજ શરૃ કરનારા વેપારી-દલાલોએ ઓગસ્ટથી બજારનો સમય સવારે 10થી સાંજે 6 રાખવા માંગ કરી
સુરત, 30 જુલાઈ, 2020. ગુરૃવાર
કોરોના સંક્રમણ વધ્યા પછી હીરાબજાર માટે કામકાજનો સમય ઘટાડવા સાથે સોશ્યલ ડીસ્ટન્સીગનો અમલ ફરજિયાત કરવામાં આવ્યો હતો. જોકે, હીરાની ખરીદ-વેચાણ સૂર્ય પ્રકાશમાં કરવામાં આવતી હોય છે. સૂર્યપ્રકાશ સવારે 10 થી સાંજના 4 દરમિયાન સારા એવાં પ્રમાણમાં હોય છે. જ્યારે બપોરે 2 થી 6 દરમિયાનનો સમય ખરીદી માટે અનુકૂળ આવતો નથી. એટલે હીરા બજારનો સમય ઓગષ્ટથી સવારના 10થી સાંજના 6 કરવાની માંગ છે.
વરાછાના ત્રણેય બજારમાં આજે મોટી બજારની જેમ બપોરે 2 થી 6 કામકાજ શરૃ થયા હતા. જોકે, ગઈ કાલ કરતાં આજે વેપારીઓ અને દલાલોની હાજરી વધી હતી, એમ જણાવ્યું હતું. બજારમાં આજે સેઇફ વોલ્ટ સંચાલકોએ પણ કામકાજનો સમય થોડો વધાર્યો હતો. કામ ધીરેધીરે આગળ વધી રહ્યા છે અને રક્ષાબંધન બાદ કામકાજમાં ગતિ આવશે એવી આશા છે.
સરકાર અનલોક-3 અંતર્ગત વધુ છૂટછાટ આપવા જઇ રહી છે ત્યારે હીરાબજારના સમયમાં પણ વધારો કરવા ગણગણાટ શરૃ થયો છે. તેથી રક્ષાબંધન પછી તા. 4થી ઓગસ્ટથી વરાછા મીની બજારનો સમય સવારથી સાંજ સુધીનો કરવાનું વિચારણામાં છે, એમ ચોકસી બજારના પ્રમુખ ભગવાન અસલાલીયાએ જણાવ્યું હતું. બજારનો સમય નહી વધારાયા તો વેપારની દ્રષ્ટીએ કશો મતલબ નથી. બજાર સવારથી શરૃ થાય તો વેપારી-દલાલો થોડો ઘણો પણ વેપાર કરી શકે. અત્યારે તો મોટી સંખ્યામાં લોકો તહેવારની ઉજવણી માટે વતન ગયા છે અને રક્ષાબંધન પછી પરત આવશે. સંભવતઃ આવતા અઠવાડિયાથી હીરા બજારની વેપારની ગાડી ફરીથી પાટે ચડી જશે એવી અપેક્ષાઓ છે.