Gujarat

ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર

By GS TEAM
24 May 20262 mins read
TukuTouch Logo
સિરામિક, ટેક્સટાઈલ, કેમિકલ, પ્લાસ્ટિક, હોટેલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બાદ હવે ઈંધણની કટોકટી હજારો અગરિયાઓની મહેનત અને મીઠા ઉદ્યોગને પણ લૂણો લગાડી રહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જિલ્લાના અગરોમાં લાખો ટન પકવેલું મીઠું તૈયાર છે. પરંતુ ડીઝલની અછતના લીધે અગરોમાંથી માંડ 50 ટકા મીઠાનું પરિવહન થઈ રહ્યું છે. જેથી મીઠા ઉદ્યોગને 250 કરોડનો ફટકો તેમજ 50 હજારથી એક લાખ લોકોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર

Gujarat Salt Industry: સિરામિક, ટેક્સટાઈલ, કેમિકલ, પ્લાસ્ટિક, હોટેલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બાદ હવે ઈંધણની કટોકટી હજારો અગરિયાઓની મહેનત અને મીઠા ઉદ્યોગને પણ લૂણો લગાડી રહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જિલ્લાના અગરોમાં લાખો ટન પકવેલું મીઠું તૈયાર છે. પરંતુ ડીઝલની અછતના લીધે અગરોમાંથી માંડ 50 ટકા મીઠાનું પરિવહન થઈ રહ્યું છે. જેથી મીઠા ઉદ્યોગને 250 કરોડનો ફટકો તેમજ 50 હજારથી એક લાખ લોકોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે.

એક દિવસ કલાકો લાઈનમાં ઊભા રહી ટ્રકોમાં ડીઝલ પુરાવાય છે, બીજા દિવસે મીઠાનું પરિવહન કરાય છે

એક બાજુ કચ્છના નાના રણ, સાંતલપુર, રાધનપુર, માળિયા, ખારાઘોડા, આડેસર, ધ્રાંગધ્રા, હળવદના ગામોમાં લાખો ટન પકવાયેલું મીઠું તૈયાર પડ્યું છે. પરંતુ ડીઝલની અછતની લીધે રસ્તા પર દોડતા ટ્રાન્સપોર્ટના વાહનોની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે. જેના લીધે મીઠાનું પરિવહન ઘટીને 50 ટકા થઈ ગયું છે. માત્ર કચ્છમાં જ વર્ષે 60 લાખ ટન મીઠાનું ઉત્પાદન થતું હોય છે. ત્યારે મીઠાનો જથ્થો પડ્યો રહેતા અગરિયા બીજું વધારાનું મીઠું પકવી શકતા નથી. ઉપરાંત આગામી દિવસોમાં સ્થિતિ સુધરે નહીં તો પહેલાં વરસાદમાં જ લાખો ટન મીઠું ધોવાઈ જશે. 

સમયસર કારખાના સુધી મીઠું નહીં પહોંચે તો મીઠાના ઉદ્યોગને આશરે 250 કરોડનો ફટકો પડી શકે છે. તેમજ આઠ મહિનાથી મીઠું પકવતા રાજ્યના 15 હજાર અગરિયાઓના પરિવાર સહિત 50 હજારથી એક લાખ લોકોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ વગદારો દ્વારા વધારે પૈસા ચૂકવી ડીઝલનો જથ્થો ખરીદી લેવાતો હોવાથી નાના અગરિયાઓની હાલાકી વધી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો 'કંજૂસ', રૂ.208 કરોડની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ જ ખર્ચ્યા

કચ્છમાં મીઠાના 70થી 75 હજાર ટનની સામે હાલ માંડ 30 હજાર ટનનું પરિવહન

કચ્છના નાના રણ સહિત આસપાસના વિસ્તારથી સામાન્ય રીતે દરરોજ 70થી 75 હજાર ટન મીઠાનું પરિવહન થતું હોય છે. ત્યારે સૂત્રોના જણાવ્યાઅનુસાર, હાલ માત્ર 50 ટકા એટલે કે 30થી 75 હજાર ટન મીઠાનું પરિવહન થઈ રહ્યું છે. પહેલાં વરસાદ સુધી આ સ્થિતિ યથાવત્ રહી તો લાખો ટન મીઠું ધોવાઈ જશે અને એક અગરિયા પરિવારને 50 હજારથી વધુનું નુકસાન થવાનું જોખમ છે. કચ્છમાં જ આવા 10 હજાર અગરિયા પરિવાર છે.

મોરબીમાં મીઠાનું પરિવહન 50 ટકા થયું, જ્યારે ભાડું 20થી 25 ટકા વધી ગયું

મોરબીના માળિયા સહિત આસપાસના વિસ્તારમાંથી પણ મીઠાના પરિવહનને માઠી અસર પડી છે. મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર, એક દિવસ ટ્રકો લાઈનમાં ઉભા રાખીને વાહનમાં ડીઝલ પુરાવાય છે. કલાકો ઉભા રહ્યા બાદ માંડ 50 લીટર જેટલું ડીઝલ મળે છે. જેના આધારે બીજા દિવસે પકવેલા મીઠાનો જથ્થો આસપાસના કારખાનામાં પહોંચાડવામાં આવે છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટના વાહનોનું ભાડું પણ 20થી 25 ટકા જેટલું વધી ગયું છે.