Get The App

ગુજરાત સરકારનો નિર્ણયઃ માછીમારોની 1થી 44 હોર્સપાવરની બોટમાં ડીઝલની મર્યાદા વધારીને 300 લીટર કરાઈ

75 થી 100 તેમજ 101થી વધુ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ડીઝલની મર્યાદા વધારીને 4200 લીટર કરાઈ

Updated: Sep 9th, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકારનો નિર્ણયઃ માછીમારોની 1થી 44 હોર્સપાવરની બોટમાં ડીઝલની મર્યાદા વધારીને 300 લીટર કરાઈ 1 - image



અમદાવાદઃ રાજ્ય સરકારે માછીમારોની યાંત્રિક હોડીમાં વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કર્યો છે.કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા હેઠળ માછીમારીની 20 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક હોડીમાં  વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર 100 ટકા વેટ રાહત આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત માછીમારોને હોર્સપાવર દીઠ ટ્રીપવાર ડીઝલના જથ્થા પર વેટ રાહત આપવામાં આવે છે. હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવા પાત્ર ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવા મત્સ્યોદ્યોગ મંત્રી દ્વારા મંજૂરી અપાઈ છે.

250 લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના માછીમારોને અગાઉ 1 થી 44 હોર્સપાવરની યાંત્રિક હોડીમાં 250 લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું, જેની મર્યાદા વધારીને 300 લીટર કરાઈ છે. તેવી જ રીતે 45થી 75 હોર્સપાવરની હોડીમાં 500 લીટર ડિઝલના જથ્થામાં 100 લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રીપવાર ડીઝલના જથ્થાની મર્યાદા 600 લીટર રહેશે. એ જ રીતે 75 થી 100 હોર્સપાવર તેમજ 101 થી વધુ હોર્સપાવરની હોડીના ડીઝલ જથ્થામાં 200 લીટરનો વધારો કરી, 4 હજાર લીટરની જગ્યાએ નવો ટ્રીપવાર જથ્થો 4200 લીટર જથ્થો અપાશે.

માછીમારોને માછીમારીમાં થતા ખર્ચમાં પણ રાહત 

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, અત્યારના સમયમાં માછીમારોએ માછીમારી માટે દરિયામાં ઘણા ઊંડે સુધી જવું પડતું હોય છે, અને એટલે જ તેમની ટ્રીપના દિવસોમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ માછીમારી એસોસિએશન દ્વારા જથ્થામાં વધારો કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી રાજ્યમાં માછીમારીના ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો તો થશે જ અને સાથે સાથે માછીમારોને માછીમારીમાં થતા ખર્ચમાં પણ રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે.

Tags :