રસોડામાં ગેસ લીકેજના કારણે ભડકો થતા પ્રૌઢનું દાઝી જતા મોત
સવારે ઉઠીને પ્રૌઢ ચા બનાવવા રસોડામાં ગયા હતા : લાઇટર ચાલુ કરતા જ આગ
વડોદરા,ગેસ લાઇન લીકેજ હોવાથી રસોડામાં ગેસ ભરાઇ રહ્યો હતો. સવારે ચા બનાવવા લાઇટરની સ્વીચ પાડતા જ ભડકો થતા કોર્ટના નિવૃત્ત કર્મચારી દાઝી ગયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે સુંદરમ આઇકોનમાં રહેતા ૫૯ વર્ષના મિતુલભાઇ કનૈયાલાલ શાહ કોર્ટમાં નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૧ લી તારીખે તેઓ સવારે ઉઠીને ચા બનાવવા માટે રસોડામાં ગયા હતા.ગેસ સળગાવવા માટે તેમણે લાઇટર ચાલુ કરતા જ રૃમમાં ભડકો થતા તેઓ આખા શરીરે દાઝી ગયા હતા.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ગેસ લાઇન લીકેજ હોવાના કારણે રસોડામાં ગેસ ભરાઇ રહ્યો હતો. મિતુલભાઇએ લાઇટર સળગાવતા જ ભડકો થતા તેઓ દાઝી ગયા હતા.