Gujarat

એમ.એસ.યુનિ.ની વાર્ષિક ડાયરીનું ત્રણ વર્ષ બાદ પ્રકાશન થશે

By GS TEAM
25 Dec 20251 min read
એમ.એસ.યુનિ.ની વાર્ષિક ડાયરીનું ત્રણ વર્ષ બાદ પ્રકાશન થશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ત્રણ વર્ષ બાદ  ડાયરી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.૨૦૨૬ના વર્ષની લગભગ ૩૫૦૦ જેટલી ડાયરીઓ છાપવામાં આવશે.આ માટે યુનિવર્સિટીના પ્રેસમાં કામગીરી શરુ કરી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં ડાયરી પણ વિવાદમાં આવી હતી.ડાયરીમાં ડો.શ્રીવાસ્તવના ઢગલાબંધ ફોટા જોઈને તે સમયના સિન્ડિકેટ સભ્યો ભડકયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો.જોકે ફોટા હટાવવાની જગ્યાએ ડો.શ્રીવાસ્તવે ડાયરી છાપવાની દરખાસ્ત જ મંજૂર કરી નહોતી.ડો.શ્રીવાસ્તવની વિદાય બાદ ત્રણ વર્ષ બાદ ફરી ડાયરી છપાશે.ઉપરાંત ૨૦૨૨ પહેલાની જેમ જ ડાયરીમાં વાઈસ ચાન્સેલરના એક કે બે જ ફોટોગ્રાફ સમાવાશે.

ડાયરીની સાથે સાથે ૩૫૦૦ જેટલા કેલેન્ડર પણ છાપવાનું નક્કી કરાયું છે.કેલેન્ડરમાં પણ ગત વર્ષે દરેક પાના પર ડો.શ્રીવાસ્તવ છવાયેલા હતા અને તેને લઈને હોબાળો થતા સત્તાધીશોએ છપાયેલા કેલેન્ડરનું વિતરણ કર્યું નહોતું.આ વર્ષે અગાઉની જેમ સાદગીપૂર્ણ કેલેન્ડર જ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો છે.