Gujarat

રાજકોટ જેલમાં 'હીરા ઉદ્યોગ' વર્ષે લાખો રૂપિયાનું ટર્નઓવર

By GS TEAM
19 Aug 20253 mins read
રાજકોટ જેલમાં 'હીરા ઉદ્યોગ' વર્ષે લાખો રૂપિયાનું ટર્નઓવર

- 68 કેદીઓ હવે 'રત્નકલાકારો' બની ગયા છે

- જેલના બીજા ઉદ્યોગોનું નાની કંપની જેટલું વર્ષે માતબર રૂા. 2.70 કરોડનું ટર્નઓવર

- કોર્પોરેટ વર્લ્ડની જેમ જ કેદીઓને પણ દર વર્ષે 'ટાર્ગેટ' અપાય છે, બેકરી ઉદ્યોગનું ટર્ન ઓવર સૌથી વધુ

- જેલનાં ૭૦ કેદીઓ હવે ઉદ્યોગ સાહસિક બની ગયા છે, વર્ષે રૂા. ૪૭ લાખનું 'વેતન' મેળવ્યું

રાજકોટ: રાજકોટની સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ ધમધમી રહ્યો છે, જ્યાં ૬૮ કેદીઓ દરરોજ ૬૦૦ જેટલા હીરા ઘસે છે.  આ હીરાઓનું મૂલ્ય કેટલું હોય છે તેની તો ખુદ કેદીઓ કે જેલ પ્રશાસનને પણ ખબર હોતી નથી પરંતુ અંદાજ છે કે આ રીતે જેલમાં વર્ષે લાખો રૂપિયાનો હીરા ઉદ્યોગ ચાલે છે, જેનાં થકી કેદીઓ બીજા બધા કામ કરતા સૌથી વધુ વેતન પ્રાપ્ત કરી રહ્યાં છે. 

દાતાઓની મદદથી એકાદ વર્ષ પહેલાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં કેદીઓને હીરા ઘસવાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ થકી હવે ૬૮ કેદીઓ 'હીરાઘસુ' એટલે કે 'રત્નકલાકાર' તરીકે તબદીલ થઇ ચૂક્યા છે.

એક કંપની સાથે જેલ પ્રશાસને એમઓયુ સાઇન કર્યા છે. એ કંપની દ્વારા હવે જેલમાં રફ હીરા ઘસવા માટે મોકલવામાં આવે છે. કંપનીનો એક માણસ દરરોજ સવારે રફ હીરા લઇ જેલે આવે છે. આ માણસની ઉપસ્થિતિમાં જ કેદીઓ રફ હીરાને ઘસી તેનું મૂલ્ય વધારે છે. સાંજે હીરા ઘસાઇ ગયા બાદ કંપનીનો માણસ તેને લઇ રવાના થઇ જાય છે.

જો કે રાજકોટ સેન્ટ્રલ જેલમાં આ સિવાયનાં બીજા અડધો ડઝન ઉદ્યોગ પણ  ચાલી રહ્યા છે. જેનું ટર્ન ઓવર મોટા કારખાનાં કે મધ્યમ કક્ષાની કંપની કરતા કમ નથી. જેલમાં ૨૫ કેદીઓ વણાટ કામ કરે છે, જેમાં દરી એટલે કે શેતરંજી, કેદીઓને ઓઢવા માટેના ધાબળા, રંગીન શેતરંજી, જનતા એટલે કે કોટન કાપડ, સરકારી કચેરીઓમાં રેકોર્ડનાં 'પોટલાં' બાંધવા માટેનું સુપર ડુંગરી કાપડ બનાવવામાં આવે છે. આ તમામ કાપડનું વેંચાણ મુખ્યત્વે સરકારી કચેરીઓમાં થાય છે.

૧૮ કેદીઓ સુથારી કામ કરી નાનું ફર્નિચર બનાવે છે. મોટું ફર્નિચર બનાવવા માટે એક કારખાના સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. તમામ પ્રકારનું ફર્નિચર આ કારખાના દ્વારા બનાવી જેલ પ્રશાસનને આપવામાં આવે છે, જેનું જેલ પ્રશાસન સરકારી કચેરીઓમાં વેંચાણ કરે છે. લાકડા ખરીદવાની સમસ્યા ઉભી થતી હોવાથી કેદીઓ હવે મોટું ફર્નિચર બનાવતા નથી. તેને બદલે એક કંપની પાસે મોટું ફર્નિચર બનાવડાવવામાં આવે છે.

૧૧ કેદીઓ દરજી કામ વિભાગમાં પોલીસના યુનિફોર્મ, સાથે ચણીયા ચોળી સહિતનાં કપડાં સીવે છે. બેકરી વિભાગમાં કામ કરતા ૧૫ કેદીઓ જુદા-જુદા ફરસાણ અને અડદીયા, ખજૂર પાક ઉપરાંત ચુરમાના લાડુ બનાવે છે. ઇસ્ત્રી વિભાગમાં ૧ કેદી કામ કરે છે. 

આ તમામ ઉદ્યોગોનું વર્ષ ૨૦૨૪-૨૦૨૫નાં નાણાંકીય વર્ષમાં રૂા. ૨.૬૯ કરોડ જેવી માતબર રકમનું ટર્નઓવર રહ્યું હતું. કોર્પોરેટ વર્લ્ડની જેમ રાજ્યની જેલોને નિશ્ચિત 'ટારગેટ' આપવામાં આવે છે. સૌથી વધુ ટર્ન ઓવર બેકરી વિભાગનું રૂા. ૧.૩૫ કરોડનું છે. આ તમામ ઉદ્યોગો સાથે સંકળાયેલા કેદીઓને વર્ષ ૨૦૨૪-૨૫માં એકંદરે રૂા. ૪૬.૬૩ લાખનું વેતન ચૂકવવામાં આવ્યું હતું. 

- કેદીઓ જેલમુક્ત થયા પછી પણ આનાથી રોજગારી મેળવી શકે છે'

'રાજ્યની સુરત અને ત્યારબાદ ભાવનગર જેલમાં હીરા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટની સેન્ટ્રલ જેલ ત્રીજી છે જેમાં હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. હીરા ઘસવાની તાલીમ લઇ ચૂકેલા કેદીઓ જેલ મુક્ત થયા પછી પણ તેનાં થકી હવે રોજગારી પ્રાપ્ત કરી શકે છે.'

- સિનિયર ક્લાર્ક સુધીર ગોપલાણી

'અહીંના કેદીઓ દર વર્ષે અપાતા ટાર્ગેટ પૂરા કરે છે'

'રાજકોટ સેન્ટ્રલ જેલનાં કેદીઓ દર વર્ષે જે ટારગેટ અપાય છે તેને હાંસલ કરે છે.  દર વર્ષે નવા-નવા ટારગેટ આપવામાં આવે છે. એક સમયે જેલના ઉદ્યોગોનું ટર્નઓવર રૂા. ૫૦ લાખ આસપાસ હતું જે હવે રૂા. ૨.૫૦ કરોડને પણ આંબી ગયું છે.છેલ્લા ત્રણ વર્ષથી ટારગેટ પૂરા થઇ રહ્યાં છે.'

- ઇન્ચાર્જ ફેક્ટરી મેનેજર સી.એમ. પરમાર