- 48 કલાક બાદ પણ ઓળખ ન થતાં
- હરીપર રોડ પર વાવ પાસેથી અજાણ્યા યુવકનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ પર આવેલા નાગાબાવાની વાવ આશ્રમ પાછળના વિસ્તારમાં પાણીના ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતદેહ પર ઇજાના નિશાન મળી આવતા હત્યાની આશંકા વ્યક્ત કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને ગુમ થયેલ વ્યક્તિઓની નોંધ તપાસવા છતાં ૪૮ કલાક સુધી મૃતકની કોઈ ઓળખ મળી શકી નહોતી. યુવાનની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને ધ્રાંગધ્રા પોલીસે આધુનિક આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીની મદદ લીધી છે. ટેકનોલોજીના માધ્યમથી મૃતક યુવાનના ચહેરાની સંભવિત તસવીર તૈયાર કરી સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે આ ટેકનિકલ તસવીરની મદદથી યુવકના વાલીવારસ મળી આવશે અને હત્યાના મૂળ સુધી પહોંચવામાં મોટી સફળતા મળશે. તંત્ર દ્વારા આ તસવીર અંગે કોઈ પણ જાણકારી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.


