Get The App

ધ્રાંગધ્રા જીઆઇડીસી મરણપથારીએઃ 35 માંથી માત્ર 5 એકમ કાર્યરત

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રા જીઆઇડીસી મરણપથારીએઃ 35 માંથી માત્ર 5 એકમ કાર્યરત 1 - image

- સબસિડી અને ટેક્સમાં રાહત આપી ઉદ્યોગોને પુનર્જીવિત કરવા માંગ

- જીએસટીના કડક નિયમો અને મોંઘી વીજળીના કારણે લઘુ ઉદ્યોગો બંધ થતા સેંકડો શ્રમિકો બેરોજગાર

ધ્રાંગધ્રા : એક સમયે ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતી ધ્રાંગધ્રા શહેરની એકમાત્ર જીઆઇડીસી છેલ્લા બે દાયકાથી તંત્ર અને સરકારની અવગણનાનો ભોગ બની રહી છે. હાલ આ જીઆઇડીસીની સ્થિતિ અત્યંત ગંભીર અને મરણપથારી સમાન બની ગઈ છે. અગાઉ જ્યાં ૩૦થી ૩૫ જેટલા લઘુ ઉદ્યોગો ધમધમતા હતા અને અંદાજે ૬૦૦ જેટલા શ્રમિકોને રોજીરોટી મળતી હતી, ત્યાં આજે માંડ ૪થી ૫ ઉદ્યોગો કાર્યરત છે.

ઉદ્યોગો બંધ થવા પાછળના મુખ્ય કારણો સ્થાનિક ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા જીએસટીના કડક કાયદા, સતત વધતા વીજ બિલ, કાચા માલના ભાવમાં તોતિંગ વધારો અને લઘુ ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓના અભાવે એકમોને તાળા મારવાની નોબત આવી છે. છેલ્લા એક વર્ષમાં જ વધુ ૩ એકમો બંધ થતા શ્રમિકોના પરિવારો આથક સંકટમાં મુકાયા છે. હાલ માત્ર ૩૦થી ૩૫ શ્રમિકો જ અહીં રોજગાર મેળવી રહ્યા છે, જ્યારે બાકીના શ્રમિકોને રોજગારીની શોધમાં અન્ય શહેરો તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

સરકાર પાસે ઉદ્યોગકારોની અપેક્ષા ધ્રાંગધ્રાના નાના વેપારીઓ અને શ્રમિક સંગઠનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે, લઘુ ઉદ્યોગોને અનુકૂળ રહે તે રીતે જીએસટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. આ ઉપરાંત વીજ દરમાં સબસિડી, સરળ લોન સુવિધા અને નવા એકમો સ્થાપવા માટે વિશેષ પ્રોત્સાહક પેકેજ જાહેર કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ધ્રાંગધ્રાની આ જીઆઇડીસી સંપૂર્ણપણે ઇતિહાસ બની જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.