સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત
પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી
અકસ્માતમાં અન્ય બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર સોલડી ટોલ પ્લાઝા પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઈકચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર સોમવારે મોડી રાત્રે ચુલી અને સોલડી ટોલ પ્લાઝા વચ્ચે પુરઝડપે આવી રહેલા બે બાઈકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઈકચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક બાઇક ચાલક ધ્રાંગધ્રા ખાતે રહેતા અશોકભાઈ પરમાર (ઉ.વ.૫૦) હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી છે.