ધોરાજીના યુવકને માછીમારી દરમિયાન કરંટ લાગતાં મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
Dhoraji News: રાજકોટના ધોરાજીમાં આવેલી ભાદર નદીમાં માછીમારી કરવા ગયેલા યુવકને કરંટ લાગતાં કરૂણ મોત નીપજ્યું છે. 18 વર્ષીય યુવકના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, નગર પાલિકાની ટીમ તથા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં આવેલી નદીમાં માછીમારી મારવા કરેલા 18 વર્ષના યુવકને કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. યુવકની ઓળખ વિશાલકુમાર સાની તરીકે કરવામાં આવી છે. યુવક હોડીમાંથી ઝાળ ઉંચી કરવા જતાં ઉપરથી પસાર થતી 11કેવી લાઇનને અડકી ગયો હતો અને ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિકો દ્વારા પોલીસ અને નગર પાલિકાની ટીમ જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, નગરપાલિકાની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જવાનજોધ યુવક ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.