Get The App

હુક્કા-દારૂ સાથેનો વિડીયો પોસ્ટ કરનાર ધોરાજી મહિલા સુધરાઈ પ્રમુખનું 13 દિવસમાં રાજીનામું

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
હુક્કા-દારૂ સાથેનો વિડીયો પોસ્ટ  કરનાર ધોરાજી મહિલા સુધરાઈ પ્રમુખનું 13 દિવસમાં  રાજીનામું 1 - image


પક્ષની આબરૂનું ધોવાણ છતાં પ્રદેશ ભાજપ જાગતો સૂતો રહીને હવે જાગ્યો  : સંગીતા બારોટે પોતે ટૂંકા વસ્ત્રોમાં દારૂ સાથે વિડીયો શૅર કર્યો હતો તે જોઈ સમજીને ભાજપે ટિકિટ આપી અને પ્રમુખ પણ બનાવી દીધા હતા!

રાજકોટ, : રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપની મહિલા નેતાએ પોતે જ ટૂંકા વસ્ત્રો પહેરીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં દારૂની બોટલો સાથે, હુક્કાના ધુમાડા છોડતા અને રૂપિયાની થપ્પી ઉડાડતો વિડીયો શૅર કર્યો હતો અને ત્યારબાદ પોતાને સંસ્કારી  પક્ષ હોવાનો દેખાડો કરતા ભાજપે આ જાણીને,જોઈને,સમજીને તેને ધોરાજીના વોર્ડ નં.૯ની ટિકીટ આપી અને ત્યારબાદ જિલ્લા અને પ્રદેશ ભાજપના નેતાઓએ જ તેને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પણ બનાવી દીધા હતા. પરંતુ, હવે પક્ષની આબરૂનું ધોવાણ થઈ રહ્યાનું ભાન થયું હોય તેમ ક્ષોભીલા પડેલા પ્રદેશ ભાજપની સૂચના અન્વયે આ મહિલા સભ્યએ માત્ર ૧૪ દિવસના સમયમાં સુધરાઈ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેવાયું છે. 

જિલ્લા કલેક્ટરને રજૂ કરાયેલા આ રાજીનામાના પત્રમાં સંગીતાબેન ચેતનકુમાર બારોટે જણાવ્યું કે તા. 18-2-2025 ના તેઓ વોર્ડ નં. 9ના સભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને તા.5-3-2025 ના પ્રમુખ તરીકે તેમની ભાજપના સભ્યોએ સર્વાનુમતે વરણી કરી હતી. પરંતુ, પોતાની કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી વધારે હોય તેને ન્યાય આપી શકે તેમ ન હોવાથી પ્રમુખ પદેથી રાજીનામુ આપે છે તેમ જણાવાયું છે. 

ગંભીર વાત એ છે કે દારૂ  ,હુક્કા સાથેનો વિડીયો કોઈ હરીફે ઉતાર્યો ન્હોતો પરંતુ, આ મહિલા નેતાએ પોતે જ ઉતરાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જાતે જ વટથી શૅર કર્યો હતો. આ વિડીયો ચૂંટણી  પહેલા જ વાયરલ થયો હતો અને ધોરાજી સહિત સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. આમ ગામ આખુ આ અંગે જાણતું હતું આમ છતાં (કે પછી પક્ષને આવા જ નેતા પસંદ પડયા હોય તે માટે) તેને ભાજપની ટિકીટ અપાઈ હતી અને ઉમેદવારી જારી રખાઈ હતી.એટલું જ નહીં, ચૂટંણીમાં જીત્યા બાદ અન્ય મહિલા નેતાઓ હોવા છતાં જિલ્લા અને પ્રદેશ ભાજપે આ મહિલા નેતાનું નામ પસંદ કર્યુ ંહતુ.  હવે ભારતીય જનતા પાર્ટીની આબરૂનું ધોવાણ થતું હોય તેવી સમજ રહી રહીને થઈ હોય તેમ પ્રદેશ ભાજપથી કડક સૂચના આવ્યા બાદ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ આ મહિલા પ્રમુખને બોલાવીને જિલ્લા કલેક્ટરને રાજીનામુ સુપ્રત કરાયું છે. 

ધોરાજીથી વિશેષ અહેવાલ મૂજબ શહેર ભાજપ પ્રમુખ તરીકે કૌશિક વાગડિયાની નિમણુક થઈ તે સામે પક્ષમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે અને વિવાદાસ્પદ મહિલાને ટિકીટ આપીને વિડીયો વાયરલ થવા છતાં ટિકીટ રદ નહીં કરીને ચૂંટણી લડાવી અને પ્રમુખ પણ બનાવાયા હતા. હવે ભાજપે પસંદ કરેલા સુધરાઈ પ્રમુખના આ વિડીયોની વાત વધુ વાયરલ થવા લાગતા અને પ્રદેશ ભાજપનું નામ ખરડાતા અંતે ભાજપે રાજીનામુ લેવું પડયું છે. 

Tags :