Gujarat

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ

By GS TEAM
5 Aug 20252 mins read
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં ધવલ ઠક્કરની જામીન અરજી રદ

વડોદરા : વડોદરા શહેરમાં સિનિયર સિટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી રૃા.૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે,યોગેશભાઇ દેસાઇએ સીઆઇડી ક્રાઇમ (સાઇબર ક્રાઇમ)માં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ તેમનો સંપર્ક વોટ્સએપ દ્વારા કર્યો હતો.આરોપીઓએ  તેમની કંપની CITADEL LLC રજીસ્ટર બ્રોકરેજ ફર્મ હોવાનું જણાવ્યું હતું અને શેર માર્કેટમાં જો રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવો ભરોસો આપ્યો હતો.

ત્યાર બાદ આરોપીઓએ વોટ્સએપના અન્ય એક ગૃપમાં ફરિયાદીને સામેલ કર્યા હતા અને ત્યાં વિવિધ શેરની ટીપ્સ આપવામાં આવતી હતી અને તે મુજબ આરોપીઓની સુચના મુજબ ફરિયાદીએ રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાનમાં ફરિયાદીના વેબ એકાઉન્ટમાં રૃા.૫૮૦ કરોડ જમા થયા હોવાનું જોવા મળતું હતું. ફરિયાદીએ નાણાં વિડ્રો માટે નો પ્રયાસ કરતા આરોપીઓએ સર્વિસ ચાર્જ પેટે રૃા.૧૫ કરોડ જમા કરાવો તેમ કહ્યું હતું.

૫૮૦ કરોડ વિડ્રો કરવા માટે ફરિયાદીએ રકમ જમા કરાવી હતી પરંતુ નાણાં વિડ્રો થઇ શક્યાં ન હતા અને આમ કુલ ૪૬.૯૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.આ બનાવમાં સીઆઇડી ક્રાઇમે  ધવલ હસમુખભાઇ ઠક્કર (રહે.રાદનપુર)ની ધરપકડ કરી હતી. પોલીસ દરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી ધવલ ઠક્કરે જામીન અરજી મુકતા ન્યાયાધીશી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.