લૂંટને અંજામ આપે તે પહેલાં છ શખ્સોને ઢસા પોલીસે ઝડપી લીધા

શખ્સો આંગડિયા પેઢીની લૂંટને અંજામ આપવાની હિસ્ટ્રી ધરાવે છે
વહેલી સવારે રસનાળ રોડ પર નદીના કાંઠેથી બાતમીના આધારે 6 શખ્સોને ઝડપી લેવાયા
ઢસાના રસનાળ રોડ પર નદીના કાંઠે શંકાસ્પદ કાર ઉભી છે અને તેમાં બેસેલા ઈસમો ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈપણ જગ્યાએ લૂંટને અંજામ આપવાના ઈરાદા સાથે હથિયારો સાથે એકઠાં થયા હોવાની બાતમીના આધારે ઢસા પોલીસે તપાસ કરતા નદી કાંઠે જીજે-૦૬-એમડી-૮૮૬૬ નંબરની કારમાં ચાર ઈસમો હતા. જેમની પુછપરછ કરતા સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા અને આ શખ્સો ઉમરડા રોડ ખાતે અન્ય ઈસમોના સંપર્કમાં હોવાનું જણાઈ આવતા પોલીસની એક ટીમને ઉમરડા મોકલી મેહુલ જશુભા ડાભી (રહે.પેથાપુર, ગાંધીનગર), ચરણભા ઉર્ફે લાલભા નથુભા વાઘેલા (રહે. આંગણવાડા, બનાસકાંઠા), દિવ્યરાજ ઉર્ફે પપ્પુ શંભુજી ઉર્ફે મનુજી રાજપુત (રહે.ચંદ્રાવતી, પાટણ), મંગુભા દશુભા જાલા (રહે.આંગણવાડા), દિપર સુરેશસિંહ ડાભી (રહે.પેથાપુુર) અને વિશાલ હિરણ્યસિંહ પરમાર (રહે.પેથાપુર)ને ઝડપી ઢસા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસની ખરાઈમાં આ તમામ ઈસમો લૂંટ અથવા ધાડના ઈરાદે આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની પાસેથી છરા, લોખંડની કુંડળીવાળી લાકડી, આંગળીમાં પહેરી શકાય તેવું સ્ટીલનું પંચ, બુરખા, ગાઉન, દુપટ્ટા મળી આવ્યા હતા અને કારની નંબર પ્લેટ ખરાઈ કરતા કારમાં નંબર પ્લેટ પણ ખોટી લગાવી હતી અને કારનો સાચો નંબર જીજે-૦૪-સીઆર-૨૪૭૬ હોવાનું જણાઈ આવતા પોલીસે કુલ રૂ.૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઢસા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.
ચાર આરોપીઓની અલગ-અલગ 6 ગુનામાં સંડોવણીનો ગુનાહિત ઈતિહાસ
ઢસામાં લૂંટને અંજામ આપવામાં ઝડપાયેલા આરોપી પૈકી મેહુલ ડાભી, ચરણ વાઘેલા, દિવ્યરાજ રાજપુત અને વિશાલ પરમાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું છે. ઉક્ત આરોપીઓ સામે હિંમતનગર બી ડિવિઝન, દેત્રોજ પોલીસ મથકમાં, બનાસકાંઠાના સિરોહી અને ડિસા પોલીસ મથકમાં ભાવનગરના સિહોર પોલીસ મથકમાં તથા મુંબઈમાં લૂંટના ગુનામાં અલગ-અલગ રીતે સંડોવણી ખુલી છે. તમામ આરોપીઓ આંગડિયા પેઢીની લૂંટને અંજામ આપવાની હિસ્ટ્રી ધરાવે છે.