પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર ટેટ-૧, ૨ના ઉમેદવારો દ્વારા ધરણાં
અનામત કક્ષાના ઉમેદવારો આંદોલનના માર્ગે
બંધારણીય જોગવાઇ કરતાં ઓછી જગ્યાઓ ફાળવવામાં આવ્યાનો આક્ષેપ ઃ પ્રાથમિકમાં વિદ્યા સહાયકના ઉમેદવારોને થયેલો અન્યાય
ગાંધીનગર : પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકોની ભરતી કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે. તેમાં અનામતની જગ્યાઓની ફાળવણી કરવામાં બંધારણીય જોગવાઇઓનો ભંગ કરીને ઓછી જગ્યાઓ ફાળવવામાં આવ્યાના આક્ષેપ સાથે સરકારની અન્યાયી નીતિ સામે પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર ધરણા યોજવાની સાથે આંદોલનના મંડાણ કરી દેવાયાં છે. ટેટ ૧ અને ટેટ ૨ ઉમેદવારો દ્વારા આ સાથે ન્યાય તોળવાની માંગણી કરાઇ છે.
સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા અનુસૂચિત જાતિના ટેટ ૧ અને
ટેટ ૨ ઉમેદવારો દ્વારા સોમવારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી પર ધરણા યોજાયા હતાં. આ
તકે ઉમેદવારોએ વિદ્યાસહાયકની ૫૦૦૦ જગ્યાઓની ભરતી સંબંધમાં રોસ્ટર પ્રથા નાબૂદ કરવાની
માગણી કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા ગત તારીખ ૧૭મી મેના રોજ જાહેર કરેલા ફાઇનલ મેરિટ
લિસ્ટમાં જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ જગ્યા ફાળવણીની જાહેરાત કરાઇ છે. પરંતુ તેમાં
એસઇબીસી અને એસસી કક્ષામાં બંધારણીય જોગવાઈ કરતાં ઓછી જગ્યાઓ ફાળવાઇ હોવાનો આક્ષેપ
કરાયો છે. વધુમાં જણાવ્યું કે જનરલ કેટેગરીમાં ફાળવેલી જગ્યાઓ માટે પૂરતા ઉમેદવારો
મળવા મુશ્કેલ છે અને બીજી બાજુ અનામત કેટેગરીમાં ઓછી જગ્યાઓ ફાળવાઇ છે. પરંતુ તેની
સામે ઉમેદવારોની સંખ્યા વધારે છે. ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ એસઇબીસી માટે ૨૭% અને
એસસી માટે ૭% જગ્યાઓ ફાળવવામાં આવે તે જરૃરી છે. તેમ કરવાથી કોઇપણ કેટેગરીના ઉમેદવારને
અન્યાય થશે નહીં. સાથે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી શકાશે. ધરણા પરના ઉમેદવારોએ
જણાવ્યું, કે લાંબા
સમય બાદ ભરતી કરાઇ રહી હોવાથી ઘણા લાયક ઉમેદવારોની ઉંમર વધી ગઈ છે.