- તારાપુર ચોકડી પાસે સિક્સ લેન હાઈવે પર અકસ્માત
- મૃતદેહ પીએમ અર્થે તારાપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
તારાપુર : તારાપુર ચોકડી નજીક સિક્સ લેન હાઈવે ઉપર આવેલા પેટ્રોલપંપ પાસે, ધર્મજ તરફ પુરપાટ ઝડપે જતી કાર ડીવાઈડર સાથે અથડાતા ધર્મજ ગામના ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત મામલે તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે રહેતા સચિનભાઈ સુરેન્દ્રભાઈ પટેલ ખેડા નજીક આવેલી ઈટીજી કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. સચિનભાઈ પોતાની કાર લઈને નોકરી પરથી ધર્મજ પરત ફરી રહ્યાં હતા. રાત્રિના નવ વાગ્યાના આસપાસ તારાપુર ચોકડી નજીક સિક્સ લેન હાઈવે ઉપર આવેલા પેટ્રોલપંપ પાસે પૂરપટઝડપે જતા સચિનભાઈએ કાર પર કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સચિનભાઈને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતંુ. ઘટનાની જાણ ૧૧૨ને કરવામાં આવતાં મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત મામલે તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


