Gujarat

દાયકાઓ જૂની રેલસેવા છીનવાતાં ધારી દિગ્મૂઢ : લડતના ભણકારા

By GS TEAM
31 Jul 20251 min read
દાયકાઓ જૂની રેલસેવા છીનવાતાં ધારી દિગ્મૂઢ : લડતના ભણકારા

બ્રોડગેજના નામ હેઠળ ટ્રેનની સુવિધા છિનવાઈ જતાં આક્રોશ : ગીર પંથકના મોટાભાગના લોકો સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ આવ-જા કરતાં હોઈ, એક મહિનામાં રેલવે સેવા શરૂ કરવાં માંગ

અમરેલી, : ધારી શહેરને દાયકાઓથી મળતી રેલવે સુવિધા અચાનક બંધ કરી દેવાતાં સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઈ છે. ગાના આગેવાનોએ એક મહિનામાં આ રેલવે સુવિધા ફરી શરૂ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમરેલી જિલ્લાના ગીર વિસ્તારનાં મોટાભાગના લોકો સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ જેવા શહેરોમાં રોજગાર અર્થે સ્થાયી થયા છે. આ તમામ સૌરાષ્ટ્રવાસીઓ પ્રસંગોપાત અને તહેવારો દરમિયાન પોતાના વતન આવ-જા કરતાં હોયછે. તેમના માટે રેલવેની મુસાફરી સૌથી સસ્તી અને આરામદાયક છે. ત્યારે હાલ બ્રોડગેજના નામ હેઠળ ધારી શહેર અને તાલુકાનાં લોકોને મળતી ટ્રેનની સુવિધા છીનવી લેવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

ધારી શહેરના પ્રબુધ્ધ નાગરિકો ને જાગૃત આગેવાનો રેલવે સુવિધાને પુન: શરૂ કરાવવા માટે એકજૂટ થયા છે. તેઓ મુસાફર જનતાની સુવિધાઓ માટે અને દાયકાઓથી મળતી સેવાઓને ફરી શરૂ કરાવવા માટે કટિબધ્ધ થયાં છે. રોષે ભરાયેલા ધારી ગામના લોકોએ એક મહિનાનાં સમયગાળા દરમિયાન ધારી શહેરને ફરી રેલવે સુવિધા આપવામાં નહીં આવે તો આંદોલનના માર્ગે જવાની ચેતવણી આપી છે.