Get The App

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ધરમશીભાઈ ચનિયારાની પસંદગી

Updated: Mar 16th, 2021

GS TEAM

Google News
Google News
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ધરમશીભાઈ ચનિયારાની પસંદગી 1 - image


- ઉપપ્રમુખ પદે નયનાબેન પરમાર અને કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ બોરસદીયાની નિમણૂક

- શાસક પક્ષના નેતા પદે લખધીરસિંહ જાડેજા અને દંડક તરીકે મહીબેન ગરસર નિમાયા

જામનગર, તા. 16 માર્ચ 2021, મંગળવાર

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે વરણી થવા જઈ રહી છે, તેના ભાગરૂપે જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવાના ભાગરૂપે જામનગર જિલ્લા ભાજપ દ્વારા આજે તમામ ચૂંટાયેલા સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો તાજ ધરમશીભાઈ ચનિયારાને શિરે મુકાયો છે. જ્યારે ઉપપ્રમુખ પદે નયનાબેન પરમાર, કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ બોરસદીયા, શાસક પક્ષના નેતા તરીકે લખધીરસિંહ જાડેજા. જ્યારે દંડક તરીકે મહીબેન ગરસરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકોની ચૂંટણી થયા પછી 18 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે પાંચ બેઠક પર કોંગ્રેસ જ્યારે 1 બેઠક પર બસપાના ઉમેદવાર વિજયી બન્યા હતા. જામનગર જિલ્લા પંચાયતની ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું. પરંતુ ભાજપે 18 બેઠકો મેળવી કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે.

દરમિયાન આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના કાર્યાલયમાં ચૂંટાયેલા તમામ 18 સભ્યો અને જિલ્લાના અન્ય હોદ્દેદારો સાથેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો તાજ જોડિયા બેઠકના ભરતભાઈ ચનિયારાના શિરે મૂકાયો હતો.

આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે આમરાની બેઠક પરથી ચૂંટાયેલા નયનાબેન પરમારની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારીના અધ્યક્ષ તરીકે ધુતારપરની બેઠકના ભરતભાઈ બોરસદીયાની વરણી થઇ છે. જ્યારે ધ્રોલ તાલુકાના ખારવાની બેઠકના લખધીરસિંહ જાડેજાની શાસક પક્ષના નેતા તરીકે તેમજ દંડક તરીકે જામજોધપુરના ગિંગણી બેઠકના મહીબેન ગરસરની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતમાં આવતીકાલે 17મીએ પ્રથમ બેઠક મળનાર છે. જે પહેલા આજે જિલ્લા ભાજપ કાર્યાલયમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરી લેવામાં આવી હતી, અને તે અંગેના ફોર્મ ભરાયા છે. આવતીકાલે જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પોતાના હોદ્દા નું સુકાન સંભાળશે.

Tags :