વડોદરા નજીકના અંગૂઠણ અને બીજા 10 ગામોમાં ઢાઢરના પાણી પ્રવેશ્યા, સંપર્ક કપાશે
Vadodara Heavy Rain : વડોદરા શહેર જિલ્લામાં વરસાદે સતત બેટિંગ ચાલુ રાખતા તેમજ ઉપરવાસથી પાણી છોડાતા ઠેર-ઠેર પૂરના પાણી પ્રવેશવા માંડ્યા છે.
વડોદરા નજીક આવેલા ડભોઇ તાલુકાના અંગૂઠણ ગામે રસ્તા ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. દેવ ડેમમાંથી પાણી છોડાવવાને કારણે તેમજ આખી રાત વરસેલા વરસાદને કારણે ગામના પાદરમાં પાણી આવી ગયા છે.
આવી જ રીતે આસપાસના બીજા 10 ગામોમાં પણ નદી અને પૂરના પાણી પ્રવેશી રહ્યા છે. પરિણામે બપોર પછી આ તમામ કામોનો સંપર્ક કપાય તેવી શક્યતા ગ્રામજનો જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે આવી જ રીતે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગરના પૂરના પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા છે. જ્યારે નર્મદામાં પણ પાણી છોડાતા ચાણોદ કરનાળી નારેશ્વર જેવા વિસ્તારોમાં ઘાટ ડૂબવા માંડ્યા છે.