રાજ્ય પોલીસ વડા તરીકે વિકાસ સહાયને ત્રણ થી છ મહિનાના એક્સટેન્શન શક્યતા

અમદાવાદ,રવિવાર
રાજ્યના ડીજીપી વિકાસ સહાય સોમવારે નિવૃત થઇ રહ્યા છે. ત્યારે તેમને ત્રણ થી છ મહિના સુધીનું એક્સટેન્શન મળી શકે છે. જેથી હાલ કોઇ નવા ડીજીપીની નિમણૂંકને લઇને કોઇ જાહેરાત થવાની શક્યતા નથી. ત્યારે વિકાસ સહાયે પણ છ મહિના સુધીના એક્સટેન્શન માટે સંમતિ આપી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાંય, જો છેલ્લી ઘડીએ કોઇ ફેરફાર થાય તો અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને રાજ્ય પોલીસ વડા તરીકેની જવાબદારી મળવાની શક્યતા સૌથી વધુ છે. આ ઉપરાંત, અમદાવાદના નવા પોલીસ કમિશનરની પસંદગી પણ કરવી પડે તેમ છે. જે માટે મનોજ શશીધરનને તેમના અનુભવના આધારે તક મળી શકે તેમ છે. જો કે સમગ્ર ચિત્ર સોમવારે સ્પષ્ટ થઇ જશે.
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય સોમવારે વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. ત્યારે રાજ્યના નવા ડીજીપી કોણ બનશે? તેને લઇને પોલીસ વિભાગમાં તેમજ અન્ય ક્ષેત્રોમાં સતત ચર્ચા જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યના ગૃહવિભાગના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર હાલ નવા ડીજીપીની નિમણૂંકના મૂડમાં નથી અને વિકાસ સહાયને ત્રણ થી છ મહિના સુધી એક્સટેન્શન આપી શકે છે. આ માટેનો સમયગાળો સોમવારે નક્કી કરવામાં આવશે.
સામાન્ય રીતે નવા ડીજીપીની નિમણૂંક કરવાની હોય ત્યારે ગૃહવિભાગમા સિનિયર આઇપીએસના નામને લઇને મિટીંગનો ધમધમાટ હોય છે. પરંતુ, ગૃહવિભાગે હાલ કોઇ એવી મીટીંગનું આયોજન નથી કર્યું . સાથેસાથે સિનિયર આઇપીએસ સાથે બેઠક યોજાઇ નથી. ૧૯૮૯ની બેચના આઇપીએસ વિકાસ સહાયને એક્સટેન્શન માટેનો સત્તાવાર ઓર્ડર સોમવારે મોડી સાંજે રીલીઝ થવાની શક્યતા છે.
બીજી તરફ જો વિકાસ સહાયને એક્સટેન્શન મળે તો તેમના સ્થાને અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકને ડીજીપી બનાવવામાં આવી શકે છે. જો કે વર્ષોથી જેલ વિભાગના વડા તરીકે જવાબદારી નિભાવતા કે.એલ.એન રાવ પણ સિનિયર છે. પંરતુ, તેમને તક મળવાની શક્યતા ખુબ ઓછી છે. બીજી તરફ જો જી એસ મલિકને પોલીસ વડા બનાવવામાં આવે તો અમદાવાદની મહત્વની જવાબદારી સિનિયર તેમજ અનુભવી આઇપીએસને સોંપવી જરૂરી છે.
જે માટે ૧૯૯૪ની બેચના મનોજ શશીધરન ગૃહવિભાગની પ્રથમ પસંદગી છે. જે હાલ જે સીબીઆઇના એડીશનલ ડાયરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર છે. મનોજ શશીધરન સાથે પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડના ડીજીપી નીરજા ગોટરૂ અને ૧૯૯૫ની બેચના રાજુ ભાર્ગવ પણ રેસ માં છે.
પરંતુ, મનોજ શશીધરનને અમદાવાદ ક્રાઇમબ્રાંચની સાથે અન્ય વિભાગમાં પણ ખુબ મહત્વની કામગીરી કરી હોવાથી આગામી સમયમાં મનોજ શશીધરન અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પસંદ થાય તેની શક્યતાઓ સૌથી વધુ છે.








