Gujarat

દિર્ઘાયુ વ્યાસ મામલે ડીજીપીએ ગ્રામ્ય પીઆઇ અને વહીવટદારની મિલકતોની તપાસના આદેશ આપ્યા

By GS TEAM
3 Nov 20251 min read
દિર્ઘાયુ વ્યાસ મામલે ડીજીપીએ ગ્રામ્ય પીઆઇ અને વહીવટદારની મિલકતોની તપાસના આદેશ આપ્યા

અમદાવાદ, સોમવાર

દિર્ઘાયુ વ્યાસના તોડકાંડ મામલે ક્રાઇમબ્રાંચે તપાસ કરતા કેટલાંક પોલીસ કર્મચારી અને વહીવટદારો સાથે તેના સીધા સંપર્ક હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્યના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને વહીવટદાર સાથે મળીને મિલકતોમાં રોકાણની વાત સામે આવ્યાનો મામલો ગાંધીનગર ડીજીપી ઓફિસ સુધી પહોંચ્યો હતો. ત્યારે આ અનુસંધાનમાં ડીજીપીએ અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીએ  પીઆઇ  અને વહીવટદારની મિલકતો અંગે તપાસ કરવા માટે આદેશ આપ્યા છે.

જેમાં   દિર્ઘાયુ વ્યાસ સાથે સાંઠગાઠ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને વહીવટદારની નોકરીના સમયથી અત્યાર સુધીની તમામ મિલકતો-રોકાણોની તપાસ કરાશે. સાથેસાથે તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને અન્ય બાબતોની ચકાસણી થશે.   

બીજી તરફ અમદાવાદના રેંજ આઇજી વિધી ચૌધરીએ જણાવ્યું કે હાલ સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચ કરી રહી છે. ત્યારે તપાસના રિપોર્ટના આધારે ગ્રામ્ય પોલીસ કાર્યવાહી કરશે.